દેવગઢ બારીયા તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ : આવનાર સમયમાં ૪૦૦ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાંખીને નર્મદા નદીમાંથી પાણી લાવવા માટેની યોજના અમલમાં મુકવામાં આવશે : મંત્રી બચુભાઈ ખાબડ


દાહોદ તા.૧૦

કડાણા ઉદ્ઘવહન સિંચાઈ યોજના આધારિત દાહોદ જિલ્લાના જળાશયો, તળાવો તેમજ ચેકડેમો ભરવાની યોજના હાલ કાર્યરત છે. જેમાં દેવગઢ બારિયા તાલુકાના નદી તળાવ ચેકડેમ પાણીથી ભરેલા છે. તેમાંથી સિંચાઈ માટે પાણી ખેડૂતોના ખેતર સુધી લઈ જવા ઉદ્ઘહન સિંચાઈ યોજનાની કામગીરી શરૂ કરવા માટે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અભલોડ, ટીડકી, બારા તેમજ ડભવા ગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂત ત્રણ સિઝનમાં સિંચાઈનો લાભ મેળવી મબલખ પાક લઈ શકે, ખેડૂતોનું સામાજિક જીવન ધોરણ ઊંચું આવે, આંતરીયાળ ગામડાના ગરીબ ખેડૂતોનું માઇગ્રેશન અટકે તેમજ આવનાર દિવસોમાં ઘર આંગણે લોકો પોતાની આજીવિકા મેળવી શકશે. તેમજ આ સિંચાઇ યોજનાથી લાભ મળતા પૂરક વ્યવસાય તરીકે પશુપાલન થકી આવકનો સ્ત્રોત વધારી શકશે એ રહ્યો છે.

આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું વિકસિત ભારતનું વિઝન છે. જેમાં ખેડૂતો સમૃદ્ધ બને અને મહિલાઓ કૃષિ પશુપાલક અને ગૃહ ઉદ્યોગ તરફ આગળ વધે. મારા તમામ ખેડૂત મિત્રો આત્મનિર્ભર બને તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીનું પણ સ્વપ્ન હતું કે, ખેડૂતો સધ્ધર બનશે તો દેશનો વિકાસ શક્ય બનશે.

ખેડૂતો દરેક જાતની ખેતી કરી વિવિધ પાક લઈ શકે તે માટે દેવગઢ બારીયાના તળાવમાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનાથી તળાવો છલકાઈ રહ્યા છે અને આવનાર સમયમાં ૪૦૦ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાંખીને નર્મદા નદીમાંથી પાણી લાવવા માટેની યોજના અમલમાં મૂકી છે. આ વર્ષના અંત સુધીમાં તેની કામગીરી શરૂ થઈ જશે. એટલે કે ખેડૂતોને બારેમાસ ખેતી માટે પાણી મળી રહે તે માટે આ યોજનાની કામગીરીની શરૂઆત કરી છે.

વધુમાં મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતાં કહ્યું હતું કે, અત્યારે હજી પણ ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે જેની સીધી અસર જમીન પર થાય છે. જમીન કઠણ બનશે તો એના નિવારણ રૂપે દરેકના ઘરે ગાય રાખો અને તેમાંથી જીવામૃત, ઘન જીવામૃત બનાવી ખેતરમાં તેનો છંટકાવ કરો અને પ્રાકૃતિક ખેતી કરો, સાથે બાગાયતી ખેતી કરો. બાગાયતી ખેતીમાં ૭૦% સુધીની સરકાર સબસીડી આપે છે. અને પાંચ લાખ સુધીની વગર વ્યાજે સરકાર લોન આપે છે. જેનો લાભ લઈ આપણું સ્વાસ્થ્ય, જમીન અને આપણી આર્થિક સ્થિતિ સુધારવા તરફ આગળ વધીએ.

આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને પાનમ સર્કલ પ્રોજેક્ટના અધિક્ષક ઇજનેરશ્રી એસ. ટી. ગામીત, ડેપ્યુટી એક્ઝિક્યુટીવ ઈજનેરશ્રી પી.એસ.બારીયા, દેવગઢ બારીયા નાની સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રી મેહુલ વસાવા, ગામના સરપંચ, તલાટી, આગેવાનો સહિત વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!