મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામા ૨૦ ઉદ્ધહન સિંચાઇ યોજના ૩૫ કરોડ, ૭૭ લાખ, ૪૯ હજાર, ૬૩૯ રૂપિયાના ખર્ચે ૨૨૭૮ હેક્ટર વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું



દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં સૈદ્ધાંતિક ખેતી થાય, ઓછા ખર્ચે વધુ પાક મળે તે માટે ખેડૂતો માટે ખેતીલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવશે. જેનો મૂળ હેતુ દાહોદના ખેડૂત ભાઈ – બહેનો આર્થિક રીતે સદ્ધર થાય એ છે.-મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
૦૦૦
રાજ્ય સિંચાઈ વિભાગ દાહોદ દ્વારા કડાણા ઉદ્ધહન યોજના આધારિત જળાશયો, તળાવો તેમજ ચેકડેમો ભરવાની યોજના દાહોદ જિલ્લામાં કાર્યરત છે. જેમાંથી દેવગઢ બારીયા તથા ધાનપુર તાલુકામાં નદી, તળાવ, ચેકડેમમાંથી સિંચાઈ માટે પાણી ખેડૂતોના ખેતર સુધી લઈ જવા માટે ઉદ્ધહન સિંચાઇ યોજના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દ્વારા ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામા ૨૦ ઉદ્ધહન સિંચાઇ યોજના ૩૫ કરોડ, ૭૭ લાખ, ૪૯ હજાર, ૬૩૯ રૂપિયાના ખર્ચે ૨૨૭૮ હેક્ટર વિસ્તારના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજનામાં ૬૦૦૦ થી વધુ ખેડૂતોને આ સિંચાઈ યોજનાઓ લાભ મળશે. આ સિંચાઇ યોજના અંતર્ગત પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે આજે ધાનપુર તાલુકાના નાકટી, રામપુર, કોઠારીયા, મોઢવા, ખોખરા તેમજ તરમકાચ ગામમાં ઉદ્ધવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું વિકસિત ભારતનું વિઝન છે, એમાં ખેડૂતો સમૃદ્ધ બને અને મહિલાઓ કૃષિ પશુપાલક અને ગૃહ ઉદ્યોગ તરફ આગળ વધે. મારા તમામ ખેડૂત મિત્રો આત્મનિર્ભર બને તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખેડૂતો દરેક જાતની ખેતી કરી વિવિધ પાક લઈ શકે તે માટે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના તળાવમાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનાથી તળાવો છલકાઈ રહ્યા છે અને આવનાર સમયમાં નવી પાઇપલાઇન નાંખીને નર્મદા નદીમાંથી પાણી લાવવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવનાર છે. આ વર્ષના અંત સુધીમાં તેની કામગીરી શરૂ થઈ જશે. એટલે કે ખેડૂતોને બારેમાસ ખેતી માટે પાણી મળી રહે તે માટે આ યોજનાની કામગીરીની શરૂઆત કરી છે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી સાહેબે ખેડૂતોને સંબોધન કરતા કહ્યું હતું કે, દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં સૈદ્ધાંતિક ખેતી થાય, ઓછા ખર્ચે વધુ પાક મળે તે માટે ખેડૂતો માટે ખેતીલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવશે. જેનો મૂળ હેતુ દાહોદના ખેડૂત ભાઈ – બહેનો આર્થિક રીતે સદ્ધર થાય એ છે. જેમાં બાગાયતી ખેતી પ્રાકૃતિક ખેતી રોકડિયા પાકની ખેતી ફળફળાદીના વૃક્ષોની ખેતી માટે દરેક ખેડૂત ભાઈ અને બહેનને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ બાદ મારા ખેડૂત ભાઈ બહેનો યોગ્ય ખેતી કરે પગભર બને અને આવનાર દિવસોમાં નાના ખેડૂત ભાઈઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતાં કહ્યું હતું કે, અત્યારે સમય છે કે, પ્રાકૃતિક ખેતીને અપનાવીને દેશી ગાય આધારિત ખેતી ધાન પકવીએ. જેથી આવનાર ભવિષ્યને સુધારી અને સ્વસ્થ બનાવી શકીએ. જીવામૃત, ઘન જીવામૃત બનાવી ખેતરમાં તેનો છંટકાવ કરવાથી પાક,જમીન કે મનુષ્યને કોઇપણ પ્રકારનું નુકશાન થતું નથી. જેથી મારી આપ સૌને એવી અપીલ છે કે, આપ સૌ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી સાથે બાગાયતી ખેતી કરો. તેમાં પણ સરકાર વગર વ્યાજે સબસીડી આપે છે. જેનો લાભ લઈ આપણું સ્વાસ્થ્ય, જમીન અને આપણી આર્થિક સ્થિતિ સુધારવા તરફ આગળ વધીએ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી, ધાનપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી, પૂર્વ દાહોદ ભાજપ મહામંત્રીશ્રી, જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચશ્રીઓ, ધાનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પી.એસ. બારીયા તેમજ કડાણા સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી શ્રીવાસ્તવ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.