દાહોદ શહેરમાં જીવનદીપ સોસાયટીમાં ભાડાના મકાનાં રમાતા જુગારના અડ્ડા પર દાહોદ પોલીસનો ઓચિંતો છાપો : ૫૯ હજારના મુદ્દામાલ સાથે સાત જુગારીઓ જેલ ભેગા

દાહોદ તા.૧૧

દાહોદ શહેરમાં આકાશગંગા સોસાયટી જીવનદીપ ખાતેના ભાડાના એક મકાનમાં મોટાપાયે ધમધમતા પત્તા પાનાના જુગારધામ પર ગત સાંજે દાહોદ એલસીબી પોલીસે સપાટો બોલાવી રૂપિયા ૩૯ હજારની જુદા જુદા દરની ચલણી નોટો તેમજ રૂપિયા ૨૦ હજારની કુલ કિંમતના ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૫૯ હજારના મુદ્દામાલ સાથે સાત જેટલા જુગારીયાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ મહુડી ઝોલા, આકાશગંગા સોસાયટી, જીવનદી ખાતે ભાડાના એક મકાનમાં રહેતા સન્નીભાઈ રાજુભાઈ મોહનિયા બહારથી માણસો બોલાવી પોતાના ભાડાના મકાનમાં પત્તા પાના નો રૂપિયા વડે હાર જીતનો મોટાપાયે જુગાર રમાડતા હોવાની ગુપ્ત બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમે ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ મહુડી ઝોલા, આકાશગંગા સોસાયટી, જીવનદીપ ખાતે રહેતા સન્નીભાઈ મોહનીયાના ભાડાના મકાનમાં ઓચિંતો છાપો મારી પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા તમામ જુગારીયાઓ નાસવાનો પ્રયત્ન કરે તે પહેલા જ તેઓને ચારે બાજુથી ઘેરી લીધા હતાં. અને ભાડુઆત સન્ની ભાઈ રાજુભાઈ મોહનિયાની સાથે સાથે ગરબાડા પોલીસ સ્ટેશન સામે ઘાંચીવાડમાં રહેતા સલમાન જાકીર શેખ, દાહોદ જૂની સિવિલ કોર્ટ રોડ ઘાંચીવાડા નજીક રહેતા તોફિક સલીમ પટેલ, જીવનદીપ સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ કનુભાઈ બામણીયા, દાહોદ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એમ એન્ડ પી હાઇસ્કુલની સામે રહેતા ઇમરાન ઈકબાલ કાગડા, દાહોદ ગૌશાળા ગારીવાડ ખાતે રહેતા મુકેશભાઈ બાબુભાઈ અગ્રવાલ તથા ગલાલીયાવાડ નિશાળ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ ડામોર ને નાસવાની કોશિશ કરે તે પહેલા જ તેઓની ધરપકડ કરી તેઓની અંગ જડતી લઈ રૂપિયા ૩૪,૭૦૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો તથા દાવ પરથી રૂપિયા ૪,૩૦૦/-ની કિંમતની જુદા જુદા દર ની ચલણી નોટો મળી રૂપિયા ૩૯,૦૦૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો તથા રૂપિયા ૨૦,૦૦૦ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૪ મળી કુલ રૂપિયા ૫૯,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ પકડાયેલા જુગારીયાઓ તથા મુદ્દામાલ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી આ સંબંધે ફરિયાદ નોંધાવતા દાહોદ બી ડિવિઝન પોલીસે આ મામલે પકડાયેલા ઉપરોક્ત સાતે જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!