દાહોદ શહેરમાં સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદપત્ર


દાહોદ તા.૧૧
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ સ્માર્ટ વીજ મીટરનો દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ નોંધાંવી સ્માર્ટ વીજ મીટરો ના લગાવવા સંદર્ભનું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સુપ્રરત કરવામાં આવ્યું છે.
દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદપત્રમાં જણાવ્યાં અનુસાર, કેન્દ્ર સરકારના આર.ડી.એસ.એસ. પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ વીજ ગ્રાહકોના મીટર સ્માર્ટ મીટર કરવા બાબતે હુકમ થયેલ છે. જે અંતર્ગત આપણાં દાહોદ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ મારફતે સૂચના આપવામાં આવેલ છે. થોડાક સમય પહેલા રાજ્યમાં અમુક શહેરોમાં જાહેર જનતા દ્વારા સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ કરવામાં આવેલ હતો જેથી સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી પરંતુ હવે ફરીથી રાજ્ય સહિત દાહોદ શહેરમાં પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ થયેલ છે જે તદ્દન અયોગ્ય છે. દાહોદ શહેરમાં કોઈ જ મોટા ઉદ્યોગ કે મોટા ધંધા અથવા વેપાર નથી. નાના વેપારીઓની સંખ્યા દાહોદ શહેરમાં વધારે છે, વધુમાં સરકારી કે પ્રાઇવેટ નોકરીની તકો પણ દાહોદ જિલ્લામાં તથા શહેરમાં ખૂબ જ ઓછી છે, તેવા સંજાેગોમાં દાહોદ શહેરમાં તમામ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરના મોટા વીજ બીલ ભરવા માટે સક્ષમ નથી. દાહોદ શહેરમાં વીજ ગ્રાહકોના રેગ્યુલર વીજ મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવા તે અયોગ્ય છે. આ બાબતે પુન: વિચારણા થવી ચોક્કસ આવશ્યક છે. દાહોદ શહેરના વીજ ગ્રાહકને આ બાબતે કોઈ જ ચોક્કસ માહિતી આપવામાં આવેલી નથી. હાલ તો આ સ્માર્ટ મીટર પોસ્ટ પેઈડ છે તેમ કહેવાઈ રહ્યું છે પરંતુ આવનારા સમયમાં તે પ્રિ-પેઈડ થઈ જાય તેની ભીતી સેવાઇ રહી છે અને જાે આમ થયું તો દાહોદ શહેરના વીજ ગ્રાહકો વીજળીનો ઉપયોગ કરતા પહેલા વીજ બીલ કેવી રીતે ભરી શકશે ? આ સ્માર્ટ મીટરથી બીલ વધુ આવે તો તેની ફરિયાદ સાંભળવાની અને તેનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી નથી. જનતા તેની ફરિયાદ ક્યાં કરે, આ ફરિયાદ કોને કરે આ ફરિયાદનો નિકાલ કેટલા દિવસોમાં આવે, તેનું પણ કોઈ જ આયોજન કરવામાં આવેલું નથી. દાહોદ શહેરના તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરની બાબત જાણવાનો મૂળભૂત અધિકાર છે અને બંધારણીય અધિકાર છે તેમ છતાં આ બાબતે કોઈને પણ જાણ કરવામાં આવેલ નથી. હાલમાં દાહોદ શહેરમાં લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર બાબતે જનતાને કોઈ પણ ફરિયાદ કે તકલીફ નથી તો શા માટે કરોડોના ખર્ચે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે? તેનો કોઈ જ ચોક્કસ જવાબ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ પાસે નથી કે સરકારશ્રી પાસે નથી. હાલમાં દાહોદ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી એ અધૂરા આયોજને કરવામાં આવી રહી છે, જે તદ્દન ગેર વ્યાજબી છે અને દાહોદ શહેરના નાગરિકોના ખિસ્સા ઉપર કાતર ચલાવવા સમાન છે. દાહોદ શહેરના વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરનો ઉપયોગ કરવો છે કે નહી તે બાબતનો કોઈ પણ સર્વે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો નથી. દાહોદ શહેરના પ્રજાજનો માટે આ અન્યાય સમાન બાબત છે જે ક્યારેય સાંખી નહી લઈ શકાય. વધુમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના જણાવ્યાં અનુસાર, દાહોદ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી તાત્કાલિક અસરથી રોકી દેવાનો હુકમ કરવામાં આવે અને સ્માર્ટ મીટરથી વીજ વપરાશનું આંકલન કરવામાં આવે નહી તેવું ફરમાવશો અને સરકારશ્રી સુધી આ બાબતની જાણ કરવા દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું હતું.

