દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકાને વિકાસ કામો માટે રૂ. ૩.૧૨ કરોડની ગ્રાંટ મળી : દાહોદ નગરપાલિકાને રૂ. દોઢ કરોડ, ઝાલોદ નગરપાલિકાને રૂ. ૧,૧૨,૫૦૦૦૦ અને દેવગઢ બારિયા નગરપાલિકાને રૂ. ૫૦ લાખના ચેક અર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વની ગુજરાત સરકારને ચાર વર્ષ પૂર્ણ થવાની સાથે દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકાને વિકાસ કામ કરવા માટે રૂ. ૩,૧૨,૫૦૦૦૦ની રકમની ગ્રાંટ મળી છે. રાજ્યની નગરપાલિકાઓને રૂ. ૧૦૬૦ કરોડથી વધુની ગ્રાંટ આપવા માટે ઓનલાઇન યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરજનોની જરૂરિયાત મુજબ હોલિસ્ટિક એપ્રોચ સાથે વિકાસ કામો હાથ ધરવા શીખ આપી છે.
દાહોદ કલેક્ટર કચેરી ખાતેની આ ઓનલાઇન કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર શ્રી વિજયભાઇ ખરાડી સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉક્ત કાર્યક્રમમાં પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પહેલા એવો સમય હતો કે, મહાનગરપાલિકા કે નગરપાલિકાને પ્રાથમિક સુવિધાના કામો કરવા માટે પણ બીજી સંસ્થાઓ પાસેથી લોન લેવી પડતી હતી. હવે, આ સરકારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસનું અભિયાન શરૂ કર્યું હતું. આજે તેના પરિણામો જોવા મળી રહ્યા છે. મહાનગરો અને નગરો સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધ્યા છે. શહેરી વિકાસ વિભાગનું બજેટ ઉત્તરોત્તર વધાર્યું છે.
શ્રી રૂપાણીએ શહેરોમાં પીવાના પાણી, રસ્તા, આરોગ્ય, લાઇટ, શિક્ષણની ઉત્તમ સુવિધા આપવામાં આવી હોવાનું કહી ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાંટમાંથી વિકાસ કાર્યો કરવાનું આયોજન સમયસર થાય અને ઉત્તમ ગુણવત્તાયુક્ત કાર્ય થાય એ જરૂરી છે.
દાહોદ ખાતેના કાર્યક્રમમાં કલેક્ટર શ્રી ખરાડીએ રૂપરેખા આપ્યા બાદ રાજ્યમંત્રી શ્રી અને સાંસદશ્રીના હસ્તે દાહોદ નગરપાલિકાને રૂ. દોઢ કરોડ, ઝાલોદ નગરપાલિકાને રૂ. ૧,૧૨,૫૦૦૦૦ અને દેવગઢ બારિયા નગરપાલિકાને રૂ. ૫૦ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ વેળાએ ધારાસભ્ય શ્રી ભાવેશભાઇ કટારા, પાલિકા પ્રમુખ શ્રી અભિષેકભાઇ મેડા, પદાધિકારી શ્રી વિનોદભાઇ રાજગોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે સહિત મુખ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: