સાત જિલ્લામાં હનીટ્રેપ આચરતી ગેંગ ઝડપાઈ, ફેક IDથી વાતચીત કરી અને રૂબરુ મળી શિકાર બનાવતાં

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજમાં એક ગેંગ દ્વારા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી નાણાં ખંખેરવાનું ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે કપડવંજ પોલીસની સતર્કતાને પગલે ગાંધીનગર, સાબરકાંઠા અને કપડવંજના ઈસમોની ગેંગ વધુ ગુનાઓ આચરે તે પહેલાં જ તેને ઝડપી પાડવામાં આવી હતી. કપડવંજમાં એક સિનિયર સિટીઝનને હનીટ્રેપમાં ફસાવી, નાણાં પડાવવા માટે એક ગેંગે ગુનાહિત કાવતરું રચ્યું હતું. ગેંગની એક મહિલાએ ફેસબુક પર  ફેક આઈડીથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં મહિલાએ વોટ્સઅપ ચેટીંગ તથા વોઈસ કોલ કરી એકાંત સ્થળે રુબરુ મુલાકાત ગોઠવી હતી. બાદમાં ગેંગના અન્ય સભ્યોએ ત્યાં સગા ઓળખ આપી સિનીયર સિટીઝનને મહિલા સાથે આડાસંબંધ હોવાના આક્ષેપો કર્યા હતા અને ફરિયાદ નોંધાવવાનું કહી વિડીયો ઉતારી વાઈરલ કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. ૬ લાખની માંગણી કરી હતી. અપહરણ કરી બળજબરીથી ત્રણ લાખ પડાવી લઈ બાકીના ત્રણ લાખ માટે સતત માંગણી કરતા હોવાની ફરિયાદ કપડવંજ પોલીસ મથકે નોંધાવા આવી હતી.  કપડવંજ પોલીસે ચાર ટીમો બનાવી હતી. અને કપડવંજ શહેર તથા આસપાસના ૪૦ જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરી, મોબાઈલ નંબરો ટ્રેસ કરી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત નવ ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે ૧.૮૭ લાખ રોકડા, બે ફોર વ્હીલર, એક જ્યુપીટર, ૧૩ મોબાઈલ ફોન કબજે લઈ વધુ પુછતાછ હાથ ધરી છે. ગેંગના મુખ્યસુત્રધાર વિરુદ્ધ ચાર ગંભીર ગુના તથા અન્ય વિરુદ્ધ પણ ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!