મેદસ્વિતા ઘટાડવા માટે આદર્શ જીવનશૈલી
દાહોદ તા.૧૯
આજના ઝડપી જીવનશૈલી અને ફાસ્ટફૂડના પ્રચલનને કારણે વર્તમાન સમયમાં મેદસ્વિતા (મોટાપો) એક ગંભીર આરોગ્ય સમસ્યા બની છે. અનિયંત્રિત ખોરાક, શારીરિક શ્રમનો અભાવ અને માનસિક તણાવ જેવી પરિસ્થિતિઓના પરિણામે આજે મોટા પ્રમાણમાં લોકો મેદસ્વિતાથી પીડાઈ રહ્યા છે. મેદસ્વિતા માત્ર દેખાવની જ નહી, પણ અનેક બીમારીઓનું મૂળ છે. જેમ કે હ્રદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે. તેથી મેદસ્વિતા ઘટાડવા માટે એક આદર્શ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જ આવશ્યક છે.
સૌપ્રથમ, નિયમિત શારીરિક કસરત આદર્શ જીવનશૈલીનો મુખ્ય ભાગ છે. રોજના ઓછામાં ઓછા ૩૦ મિનિટ વોકિંગ, યોગાસન, સાઇકલિંગ કે વ્યાયામ કરવાથી શરીરમાં ફેટ બળે છે અને શરીર ફિટ રહે છે. યોગ અને પ્રાણાયામથી માત્ર શરીર જ નહી પણ મન પણ શાંત રહે છે. જે માનસિક તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
બીજું મહત્વપૂર્ણ પાસું છે – સંતુલિત અને પોષણયુક્ત આહાર. દિનચર્યામાં હલકા અને પાચક ખોરાક લેવો જોઈએ. વધારે તેલ, ઘી, ખાંડ અને કેલરીયુક્ત ખાદ્યપદાર્થોનું સેવન ટાળવું. દરરોજ તાજા ફળો, શાકભાજી, ફાઇબરયુક્ત અન્ન અને પ્રોટીનનો સમાવેશ કરવો. સાથે સાથે પૂરતું પાણી પીવું પણ અગત્યનું છે.
મેદસ્વિતા ઘટાડવા માટે જીવનમાં નિયમિતતા પણ ખૂબ મહત્વ ધરાવે છે. સમયસર સુવું અને ઊઠવું, નિયમિત સમયે ખાવું અને દિવસભર સક્રિય રહેવું શરીરને તંદુરસ્ત રાખે છે. ફોન અને ટીવી સામે લાંબા સમય સુધી બેઠા રહેવાને બદલે વધુ ચાલવું, લિફ્ટની જગ્યાએ સીડીઓ વાપરવી જેવી નાની નાની આદતો પણ મોટી અસર કરે છે.
અંતે, જીવનશૈલીમાં ધીરેજ અને ધ્યેય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ જરૂરી છે. એકદમ પરફેક્ટ પરિણામની આશા રાખવા કરતાં ધીરે ધીરે અને સતત પ્રયત્નો દ્વારા આગળ વધવું મહત્વપૂર્ણ છે.
સારાંશરૂપે, મેદસ્વિતા એક એવી સમસ્યા છે જે યોગ્ય જીવનશૈલી દ્વારા દૂર કરી શકાય છે. યોગ્ય આહાર, નિયમિત કસરત, શારીરિક સક્રિયતા અને માનસિક સંતુલન ધરાવતી આદર્શ જીવનશૈલીને અપનાવીને આપણે વધુ સ્વસ્થ અને સ્ફૂર્તિવાન જીવન જીવી શકીએ છીએ.