દાહોદના છાબ તળાવ પર મૂળભૂત સુવિધાનો અભાવ : કરોડોના ખર્ચે બનેલા તળાવ પર વોટર કૂલર બંધ, મુલાકાતીઓ ગરમીમાં પરેશાન
દાહોદ તા.૧૯
દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ પર મૂળભૂત સુવિધાઓની જાળવણીનો અભાવ સામે આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા આ તળાવના ઓપન થિયેટર નજીક મૂકવામાં આવેલું વોટર કૂલર લાંબા સમયથી બંધ છે.
આ તળાવ વિસ્તારમાં ઓપન જીમ, ઓપન થિયેટર અને બાળકો માટે રમત-ગમતનો વિસ્તાર આવેલો છે. દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. પરંતુ વોટર કૂલર બંધ હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાં ફિલ્ટર વગરનું ગરમ પાણી પીવું પડે છે. મુલાકાતી અક્ષય વાઘેલાએ જણાવ્યું કે તળાવ ખૂબ સુંદર છે, પરંતુ ઠંડા પાણીની સુવિધા ન હોવાથી મુશ્કેલી પડે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ થાય છે.
છાબ તળાવનુ સંચાલન કરતી એજન્સીના મેનેજર દીપક બાલીના જણાવ્યા અનુસાર, ઓપન થિયેટર નજીક મુકવામાં આવેલ કૂલરની મરામત માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને બંધ પડેલ વોટર કુલરને ટૂંક સમયમાં ફરીથી ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, કરોડોના ખર્ચે બનેલી સુવિધાઓની યોગ્ય જાળવણી થતી નથી. તેઓએ તંત્ર પાસે કૂલરનું તાત્કાલિક રિપેરિંગ અને નિયમિત જાળવણીની માંગ કરી છે. તંત્રના આશ્વાસન બાદ હવે સમસ્યાના નિરાકરણની રાહ જોવાઈ રહી છે.


Awesome https://is.gd/tpjNyL