મુખ્યમંત્રીશ્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ડિઝિટલી કરવામાં આવી ઝાલોદ તાલુકામાં સાંસદ શ્રી ભાભોરે આદિવાસી વીર શહીદોને યાદ કર્યા આદિવાસી સમાજના વિકાસ માટે, અધિકારોના રક્ષણ માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

દાહોદ તા.૯
રાજયભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ડિઝિટલી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે કરવામાં આવેલી ઉજવણી પણ ડિઝિટલી કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીશ્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, સભ્યતાને સિંચીને તેને વિકાસની દિશામાં અગ્રેસર કરવા દઢસંકલ્પ લેવાયો હતો.
પોતાના પ્રાંસગિક પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીએ આજના ગૌરવંવતા દિવસની સૌ વનબંઘુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની આઝાદી કાજે શહીદ થનારા આદિવાસી વીરોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આદિવાસી સમાજના વિકાસ માટે, અધિકારોના રક્ષણ માટે, સામાજિક, આર્થિક, માળખાંકીય વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
દાહોદ જિલ્લાના સરકારી વિજ્ઞાન કોલેજ, ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રી સાથે ડિઝિટલ માધ્યમથી જોડાઇને કરવામાં આવી હતી.
ઝાલોદ ખાતેના કાર્યક્રમ સ્થળે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આદિવાસી અસ્મિતા માટે શહીદ થનારા શ્રી ગોવિંદ ગુરૂ અને વીર બિરસા મુંડાને પુષ્પાજંલી આપી યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના સમયમાં પણ ડિઝિટલી માધ્યમથી સમગ્ર ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું ઠરાવવા બદલ મુખ્યમંત્રીશ્રી ધન્યવાદને પાત્ર છે. આજે આદિવાસી સમાજને ધર્મ, શિક્ષણ વગેરે જેવી પાયાની બાબતોમાં દિશા ચિંધનાર શ્રી ગોવિંદ ગુરૂને શત શત નમન કરૂ છું. દાહોદમાં શ્રી ગોવિંદ ગુરૂના કંબોઇ ધામને ઝડપથી વિકસાવામાં આવશે.
આદિવાસી સમાજની વિરતાનો ભવ્ય ઇતિહાસ જયાં લખાયો તેવા માનગઢને પણ વડાપ્રધાનશ્રી દ્વારા આયોજનબદ્ધ રીતે વિકસાવાયું છે. દેશની આઝાદી માટે લડનારા આપણા આદિવાસી બંઘુઓને પણ આપણે આજે યાદ કરવા રહ્યાં. તેમણે વ્હોરેલી શહીદીથી જ આદિવાસી સ્વાભિમાન, અસ્મિતા ટકી રહી છે. સમગ્ર દેશમાં આદિવાસી સમાજ ફેલાયેલો છે ત્યારે વડાપ્રધાનશ્રી વનબંઘુઓ માટે સતત કાર્યશીલ અને કટિબદ્ધ છે. તેમણે શરૂ કરેલી વનબંઘુ કલ્યાણ યોજના આદિવાસી સમાજ માટે વિકાસના નવા દ્વાર ખોલનારી સાબિત થઇ છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત એક લાખ નવસો છપ્પન કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે પણ ૧૪,૧૦૭ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં સિંચાઇની વાત કરીએ તો કડાણામાંથી દાહોદને પાણી આપવા માટે ૧૧૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેનો લાભ જલ્દી જ દાહોદ જિલ્લાને મળતો થશે. આ ઉપરાંત હાંફેશ્વર યોજના પણ ઝડપથી પૂરી થવામાં છે. જિલ્લામાં શિક્ષણકાર્યના વિકાસ માટે જવાહર નવોદય વિધાલય સ્થાપવામાં આવ્યા છે. ઝાલોદ તાલુકાને પણ તેનો લાભ મળી રહ્યો છે. એકલવ્ય મોડેલ સ્કુલ પણ આદિવાસી વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ સમાન પુરવાર થઇ રહી છે. મેડીકલ અને ડેન્ટલની આદિવાસી સમાજની બધી જ બેઠકો સો ટકા ભરાતી થઇ છે.
આ પ્રસંગે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ, રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું. સાથે વનબંઘુ ઉદ્યોગ સાહસીને લોન સહાયની મંજૂરી પત્ર વિતરીત કરવામાં આવ્યા. ઉપરાંત વિવિધ યોજનાઓના આદિવાસી લાભાર્થીઓને મંજૂરીપત્ર આપવામાં આવ્યા.
કાર્યક્રમમાં ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ ચંપાબેન, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવે, ઝાલોદના પ્રાંત અધિકારી શ્રી એસ.ડી. ચૌધરી, ઝાલોદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, ઝાલોદ વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કોરોના સંક્રમણને ધ્યાને રાખી કાર્યક્રમ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં કોવીડ-૧૯ સંદર્ભના નિયમોનું ચુસ્ત પાલન સાથે યોજવામાં આવ્યો હતો.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: