જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર સંભળાઈ રહેલા પાણીના પોકારો: આવનાર દિવસોમાં અત્યંત દારૂણ સ્થિતિ સર્જાવાના એંધાણો

ગત ચોમાસુ તો સારું ગયું અને પૂરતો વરસાદ થયો છતાં ચાલુ વર્ષના ઉનાળાના પ્રારંભે જ સૂર્યનારાયણે આગ ઓકી આકાશમાંથી અગન ગોળા વરસાવવાનું ચાલુ કરતા નદીઓ તથા તળાવોના પાણીનું બાષ્પીભવન ઝડપથી થતા પાણીની સપાટી નીચી જતા અને ધરતીના પેટાળમાંનું પાણી પણ સુકાવા લાગતા દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉનાળાના પ્રારંભથી જ પાણીના પોકારો પડવા લાગ્યા છે હેન્ડ પંપોમાં પાણી નથી આવતું. સરકારી બાબુઓ અને કેટલાક નેતાઓની મીલી ભગતના પાપે નલ સેજલ યોજના પણ સદંતર નિષ્ફળ જતાં વડાપ્રધાન મોદીનું,” ઘેર ઘેર નળ, ઘેર ઘેર જળ”નું સપનું ચકનાચૂર બન્યું છે. ત્યારે આવી વિષમ સ્થિતિમાં પણ હાલ દાહોદ વાસીઓને બબ્બે દિવસના આંતરે નગરપાલિકા દ્વારા નિયમિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આકરા ઉનાળાના આવનાર દિવસોમાં દાહોદવાસીઓને પણ પીવાના પાણીની સમસ્યા વેઠવાનો વારો આવી શકે છે તેમ હાલની ગરમી તેમજ ઝડપથી નીચી જતી ડેમની સપાટી પરથી પરથી લાગી રહ્યું છે. જેથી દાહોદવાસીઓએ પાણીનો સદુપયોગ કરવા અને વેડફાટ અટકાવવા માટે અત્યારથી જ કટિબદ્ધ બનવું પડશે. દાહોદ શહેરની વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યા મહદંશે હળવી બનાવવા તેમજ નિયમિત પૂરતું પાણી મળી શકે તેવા ઉમદા હેતુથી કડાણા નું પાણી દાહોદ સુધી લાવવાની યોજના વડાપ્રધાન મોદી ની મંજૂરીથી દાહોદમાં લાવવામાં આવી પરંતુ ૮૫ કિલોમીટરની લાંબી દડ મજલ કાપી દાહોદ સુધી કડાણાનું પાણી લાવવાની પ્રક્રિયામાં અવારનવાર ઉભી થતી ટેકનિકલ ત્રુટીઓને કારણે બાધા ઊભી થતા હાલ કરોડોના ખર્ચે આ યોજના લાવવા છતાં દાહોદની જનતાને માત્ર પાટા ડુગરી ડેમ પર જ ભરોસો રાખવાનો સમય આવ્યો છે. કડાણા ના પાણી બાબતે નગરપાલિકાના એક જવાબદાર અધિકારીએ તો”કૂવામાં હોય તો હવાડામાં આવશે”તેવી માર્મિક ટકોર કરી પાણીની સમસ્યાના મામલે અત્યારથી જ હાથ ઉંચા કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. હાલ સ્થિતિ ગમે તે હોય પરંતુ આવનાર સ્થિતિને ધ્યાને રાખી દાહોદવાસીઓએ જળને સાચા અર્થમાં જીવન સમજી પાણી બચાવવા અને પાણીનો વેડફાટ અટકાવવા અત્યારથી જ શરૂઆત કરવી જોઈએ તેવો સમયનો તકાજો છે. દાહોદ જિલ્લામાં અંતરિયાળ ગામો સુધી સૌને પીવાનું પાણી મળી રહે તે માટે વાસ્મો દ્વારા નલ સેજલ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી અને તેમાં કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા. પરંતુ કેટલીક જગ્યાએ તો પાણીની માત્ર પાઇપો નખાઈ, તો કેટલીક જગ્યાએ માત્ર નળ જ નખાયા, તો કેટલી જગ્યાએ તો પાણીની પાઇપો તથા નળ તેમજ નળના સ્ટેન્ડ માત્ર કાગળ પર જ નખાયા. જેથી વડાપ્રધાન મોદીનું “ઘેર ઘેર નળ, ઘેર ઘેર જળ”નું સપનું રોળાયું. આના માટે જવાબદાર કેટલા અધિકારીઓ અને નેતાઓ સામે પગલાં લેવાયા? અને ન લેવાયા તો કેમ ન લેવાયા? તેનો જનતા જવાબ માગી રહી છે. કારણ કે આ નલસે જલ યોજના નૈતિકતા પૂર્વક પૂરી કરી ઘેર ઘેર જળ પહોચાડવા માટે સંકલન સમિતિની બેઠકોમાં પણ અવારનવાર અધિકારીઓને ટકોર કરવામાં પણ આવી હોવા છતાં આ યોજના દાહોદ જિલ્લામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તે માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે હવે જોવું રહ્યું!!!!!