દાહોદમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ચાલતી લાઇબ્રેરી સહિત વિનામુલ્યે લેવાતા વર્ગનું સરનામું એટલે “ભારત જ્ઞાન ખંડ” : સરકારી નોકરી છોડીને દાહોદના યુવાઓને સરકારી નોકરી માટે તૈયારી કરાવતા ભાવેશભાઈ નીનામા

દાહોદ તા.૨૫

પુસ્તકો, લાઇબ્રેરી સહિત માર્ગદર્શન અને લેક્ચરની વિનામૂલ્યે અપાતી શૈક્ષણિક સેવા

આર્થિક રીતે નબળા ઉમેદવારો તેઓમાં કાબેલિયત હોવા છતાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મોંઘી પુસ્તકો ખરીદી શકતા ન હોવાથી આ નિર્ણય લીધો-ભાવેશભાઈ નીનામા

દાહોદનો યુવા વર્ગ સફળ કારકિર્દી બનાવે તેમજ આર્થિક સ્થિતિ પરીક્ષા આડે ન આવે તે માટે ભાવેશભાઈએ પોતાના ઘરને જ લાઇબ્રેરી બનાવી દીધી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કાળી મહુડી ખાતે રહેતા ભાવેશભાઈ નીનામાએ પોતાના ઘરને જ લાઇબ્રેરી તેમજ ક્લાસીસમાં ફેરવી દીધું છે. હા, અહીં વાત કરીએ છીએ એક એવા સરકારી કર્મયોગીની કે જેમણે અનેક જગ્યાઓએ સારી પોસ્ટ તેમજ પગાર સાથે નોકરી હોવા છતાં એ નોકરી છોડીને તેઓ હાલ સ્વખર્ચે એક એવી લાઇબ્રેરી શરૂ કરી કે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મધ્યમ તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અને ઉમેદવારો સરળતાથી પુસ્તક મેળવીને તૈયારી કરી શકે. હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની કિંમત હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસની ફી હોય જે મધ્યમ અને ગરીબ વર્ગના ઉમેદવારોને પોસાય એમ નથી જ.

લાઇબ્રેરી શરૂ કરવાનું મૂળ કારણ જણાવતાં તેઓ કહે છે કે, મેં ઘણાય એવા ઉમેદવારોને જોયા છે કે, જેઓ પાસે કાબેલિયત હોવા છતાં તેઓ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પુસ્તકની પ્રાઈઝ જોઈને પાછી મૂકી દેતા હતા. એમની આ મજબૂરી મારાથી અસહ્ય હતી. મારું બેક ગ્રાઉન્ડ સારુ છે. હું સદ્ઘર પરિવારમાંથી આવું છું. મારા માટે એ શક્ય હતું. પરંતુ એ પછી મેં સરકારી નોકરી છોડીને આવા અસહાય ઉમેદવારોને મદદ કરવાનું વિચાર્યું, જેમાં મને લાઇબ્રેરી સહિત ક્લાસ શરૂ કરવાનું યોગ્ય લાગ્યું. જેમાં લેક્ચર પણ હું પોતે જ લઉં છું. આ લાઇબ્રેરીનો લાભ હર કોઈ લઇ શકે છે, માર્ગદર્શન સહિત પુસ્તકો પણ અહીં મળી શકે છે.

આ બધું મેં સ્વખર્ચે ઊભું કર્યું છે. મેં મારા ઘરને એ રીતે ડીઝાઇન કર્યું છે કે, લાઇબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ કે મારા પરિવારને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી, હા, મેં લાઇબ્રેરી મારા ઘરમાં જ બનાવી છે. એનું એક કારણ એ પણ છે કે, પરિવાર સહિત વિદ્યાર્થીઓને જ્યારે પણ જરૂર પડે તો હું અવેલેબલ હોઉં. અહીં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ આરામથી બેસી શકે તેવા હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. શૌચાલયથી માંડીને વોશબેસીન તેમજ પીવાના પાણીની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હું મારા તરફથી પુરતો પ્રયાસ કરું છું કે, અહીં આવેલ કોઇપણ વિદ્યાર્થીને વાંચવામાં કે વર્ગમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં.

ભાવેશભાઈની વાત કરીએ તો તેઓ મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કાળી મહુડીના રવજી ફળિયાના વતની છે. તેમના માતા-પિતા સરકારી નોકરી કરતા હતા. એમના પત્ની પણ હાલ સારા હોદ્દા સાથે સરકારી નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે. ભાવેશભાઈએ મહારાષ્ટ્રથી ઇલેક્ટ્રિકલ એન્જીયરિંગમાં બી. ઈ. નો અભ્યાસ કર્યો હતો. ડીપ્લોમા ઈલેક્ટ્રીકલ પારુલ યુનિવર્સીટીમાં પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે વડોદરામાં સિગ્મા પોલીટેક્નિક ખાતે ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ વિભાગમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ સુધી લેક્ચરર તરીકે સેવા આપી, વર્ષ ૨૦૧૬ માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગર ગયા, વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન શિક્ષણ વિભાગમાં સિનીયર ક્લાર્ક તરીકે સેવા આપી, અમદાવાદ ખાતે પણ વર્ષ ૨૦૨૨ માં માર્ગ અને મકાન વિભાગમાં જુનીયર ક્લાર્ક તરીકે સેવા આપી જ્યાંથી તેમણે લાઇબ્રેરીના વિદ્યાર્થીઓની તૈયારી માટે રાજીનામું મુક્યું. એ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી હતી.

હા, ડાંગ જિલ્લામાં સિનીયર ક્લાર્ક તરીકે સર્વિસ કરતી વખતે એમને વિચાર આવ્યો કે, એમનું વતન એવા દાહોદ જિલ્લામાં મોટાભાગના પરિવાર આર્થિક રીતે પછાત હોવાથી તેઓને આવી પરીક્ષાઓની તૈયારી કરવી મુશ્કેલ થઇ જતી હોય છે, પુસ્તક ખરીદી નથી શકતા ત્યાં સ્પેશ્યલ કલાસીસ કરવા માટેના પૈસા તો ક્યાંથી કાઢી શકે..! તેથી તેમણે લાઇબ્રેરી સાથે માર્ગદર્શન આપી ક્લાસ શરૂ કરવાનો વિચાર કર્યો.

લાઇબ્રેરીના પુસ્તકો લાવવા સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા તેમણે સ્વખર્ચે કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો તેમજ શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને મદદરૂપ પુસ્તકો લાવવા, લાઇબ્રેરીમાં વાંચવા તેમજ માર્ગદર્શનના લેક્ચર સહિતની સુવિધા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. દાહોદના યુવાનો આવનાર સમયમાં વિવિધ ક્ષેત્રોમાં સફળ કારકિર્દી બનાવે, આર્થિક રીતે સક્ષમ બને તેમજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને રાજનૈતિક બાબતમાં જાગૃત થઇ પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરે તે માટે ભાવેશભાઈએ “ભારત જ્ઞાન ખંડ” એમને સમર્પિત કર્યો છે.

ભાવેશભાઈ વધુમાં જણાવે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ઘણા નિપુણ વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન નથી મળતું, જેના કારણે તેઓ સફળ થઈ શકતા નથી. જેના માટે હું રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાલક્ષી તૈયારી સિલેબસ પ્રમાણે એનસીઆરટી, જીસીઆરટી તેમજ ગુજરાત ગ્રંથ બોર્ડ નિર્માણ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ઓથેન્ટિક પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓને શીખવું છું. એ સાથે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પુસ્તકો વાંચવા માટે પણ આપવામાં આવે છે. જેમાં અંદાજીત ૧૫ લાખ સુધીના પુસ્તકોનું તેમણે દાહોદના સેવાભાવી દાતાશ્રીઓના સહયોગ થકી વિવિધ કાર્યક્રમોમાં વિતરણ પણ કર્યું છે, જેમાં શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.

“ભારત જ્ઞાન ખંડ” લાઇબ્રેરીનો સમય સવારે ૮ વાગ્યાથી લઈને સાંજે ૮ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. લાઈબ્રેરીમાં અત્યારે ૧. ૫૦ લાખની કિંમતના ૭૦૦ જેટલાં પુસ્તકો અવેલેબલ છે. આવનાર સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ પછી કયો અભ્યાસ કરવો એ માટે કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનાર પણ રાખવામાં આવશે. “ભારત જ્ઞાન ખંડ” માં કોઇપણ જાતના સામાજિક કે જાતિગત ભેદભાવ વગર એક સમાન ભાવે વિના મુલ્યે શૈક્ષણિક સેવા આપવામાં આવે છે.

હાલ તેઓ ભારતના બંધારણ વિષય પર રીસર્ચ કરી રહ્યા છે. તેમણે દાહોદમાં આવેલ સેન્ટ ઝોન સ્કુલ ખાતે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધી દર રવિવારે વિનામૂલ્યે લેકચર લીધા હતા. અનેક જગ્યાએ વિવિધ વિષયો પર વિના મુલ્યે લેક્ચર પણ આપ્યા છે. મારા પરિવાર તેમજ મિત્રોનો મને આ સેવા કાર્યમાં ખુબ જ સહકાર મળ્યો છે. ભાવેશભાઈ દાહોદ જીલ્લાના વિદ્યાર્થી-યુવાઓને સંબોધતા કહે છે કે, આ લાઇબ્રેરી તમામ માટે છે. જે કોઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય અથવા તો પુસ્તક કે માર્ગદર્શનની જરૂર હોય તો તેઓના માટે આ લાઇબ્રેરી હંમેશા ખુલ્લી છે. અને તેઓ નિ:સંકોચ મારો સંપર્ક કરી શકે છે. હજારોમાં એક આવા વિરલા હોય છે, એ વિરલાઓમાંના એક એવા આપણા ભાવેશભાઈ. સલામ છે આવા સેવાધારી નિ:સ્વાર્થ કર્મયોગીને…!

2 thoughts on “દાહોદમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ચાલતી લાઇબ્રેરી સહિત વિનામુલ્યે લેવાતા વર્ગનું સરનામું એટલે “ભારત જ્ઞાન ખંડ” : સરકારી નોકરી છોડીને દાહોદના યુવાઓને સરકારી નોકરી માટે તૈયારી કરાવતા ભાવેશભાઈ નીનામા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!