પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં દાહોદ સજ્જડ બંધ : શહેરના વેપારીઓ-નાગરિકોએ એકતા દર્શાવી, આતંકવાદ સામે ભારત સરકાર પાસે કડક પગલાંની કરી માંગ






દાહોદ તા.૨૮
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને દાહોદ શહેરવાસીઓએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જેના ભાગરૂપે આ આતંકી હુમલાના વિરોધમાં સંપુર્ણ દાહોદ શહેર સજ્જ બંધ રહ્યું છે. દાહોદ શહેરના તમામ મોટાથી લઈ નાના વેપારીઓ, ધંધાકીય આલમ વિગેરે એકતા દર્શાવી છે. સાથે સાથે આતંકવાદ સામે કડકમાં કડક પગલાં લેવાની સરકાર સમક્ષ દાહોદશહેરવાસીઓએ માંગ પણ કરી છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાહોદ શહેરે સજ્જડ બંધ પાળ્યું છે. શહેરના તમામ બજારો, નાના-મોટા વેપારીઓ અને નાગરિકોએ એકતા દર્શાવી આ હુમલાની નિંદા કરી છે. આ બંધ દ્વારા આતંકવાદ સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. દાહોદના વેપારી સમુદાયે આ બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. શહેરના મુખ્ય બજારો, દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવી છે. વેપારી ચંદ્રપ્રકાશ ધર્માણીએ જણાવ્યું કે આ હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે. તેમણે સરકાર પાસે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં લેવાની માગ કરી છે. વેપારી દીપક શર્માએ જણાવ્યું કે દાહોદના નાગરિકો એકજૂટ થઈને રાષ્ટ્રીય સુરક્ષા માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંધ શાંતિપૂર્ણ રહ્યો છે. બંધ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને બજારો સૂનાં રહ્યાં છે. સ્થાનિક નેતાઓ અને વેપારી સંગઠનોએ સરકારને અપીલ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે નક્કર પગલાં લેવામાં આવે. દાહોદના આ બંધે દેશભરમાં સંદેશ આપ્યો છે કે ભારતનું નાનું શહેર પણ આતંકવાદ સામે એકજૂટ થઈ શકે છે. સાથે સાથે દાહોદ શહેરના વઘુમતિ વિસ્તારો ખાતે પણ લઘુમતિ કોમના લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. અને પોત પોતાના વિસ્તારના રોજગાર ધંધા સજ્જડ બંધ રાખ્યાં છે. બીજી તરફ દાહોદ શહેરના દેસાઈવાડ ખાતે વણિક સમાજ દ્વારા સાંજના સમયે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હિન્દુઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

