દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મુનાવાણી ગામની ઘટના લગ્ન માટે નન્નો ભણનાર સગીરાને બળજબરીથી ઝેર પીવડાવી મારી નાખવાની કોશીશ

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મુનાવાણી ગામના એક યુવાને તેના જ ગામની સગીરાને રાત્રિના સમયે મળવા બોલાવી લગ્ન કરી લેવા તથા ભાગી જવા માટે દબાણ કરતા સગીરાએ ના પાડી દેતા, ઉસ્કેરાયેલા
યુવાને,” મારી નહીં થાય તો બીજાની પણ નહીં થવા દઉં” તેમ કહી સગીરાને બળજબરીથી ઝેર પીવડાવી દઈ મારી નાંખવાની કોશિશ કરતા, સગીરાને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતાં, ૨૮ દિવસે ભાનમાં આવેલ સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર સિંગવડ તાલુકાના મુનાવાણી ગામના અરવિંદભાઈ નગીનભાઈ ચૌહાણ તેના જ ગામની એક સગીર છોકરીને મનોમન પ્રેમ કરતો હોઈ, ગત તારીખ ૩૧-૩-૨૦૨૫ ના રોજ રાત્રિના સાડા અગીયાર વાગ્યાના સુમારે તે સગીર છોકરી અનુસૂચિત જનજાતિની હોવાનું જાણતો હોવા છતાં તે છોકરીને નીલગીરીના ઝાડ બાજુ મળવા બોલાવી હતી, અને મારી સાથે લગ્ન કરી લે અને ચાલ આપણે ભાગી જઈએ તેમ કહી લગ્ન કરવા તેમજ ભાગી જવા સગીરા પર દબાણ કર્યું હતું. પરંતુ સગીરાએ આ બાબતે સ્પષ્ટ ના પાડી દેતા અરવિંદભાઈ નગીનભાઈ ચૌહાણ એકદમ ઉશ્કેરાયો હતો. અને” તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને બીજાની પણ નહીં થવા દઉં”તેમ કહી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી મારી નાખવાના ઇરાદે અરવિંદ ચૌહાણે તેની સાથે લાવેલ ઝેરી દવાની બોટલ બળજબરીથી સગીરાનું મોઢું પકડી પીવડાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કરીનાસી છૂટ્યો હતો. જ્યારે બીજી તરફ પેટમાં ઝેર જતા સગીરા બેભાન બનતા તેને બેભાન હાલતમાં જ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ૨૮ દિવસ સુધી તે બેભાન હાલતમાં રહી હતી. અને ગઈકાલે ભાનમાં આવતા જ તેણીએ રણધીકપુર પોલીસ સમક્ષ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે બીએનએસ એક્ટ કલમ ૧૦૯,૩૫૧(૩) તથા એટ્રોસિટી એક્ટ કલમ ૩(૨),(૫) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

2 thoughts on “દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મુનાવાણી ગામની ઘટના લગ્ન માટે નન્નો ભણનાર સગીરાને બળજબરીથી ઝેર પીવડાવી મારી નાખવાની કોશીશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!