અખાત્રીજથી શીખરબદ્ધ મંદિરોમાં ચંદનના વાઘાની પરંપરા શરૂ

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અખાત્રીજ, એટલે વૈશાખ સુદ ૩,નું વિશિષ્ટ મહત્વ છે. આ પાવન દિવસે સંપ્રદાયના તમામ શીખરબદ્ધ મંદિરોમાં ભગવાનને ચંદનના વાઘા ધારણ કરાવવામાં આવે છે. ગરમીના દિવસે ભગવાનને ઠંડક મળે તે હેતુથી ભક્તિભર્યા ભાવ સાથે ચંદનના વાઘા ધારણ કરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે.
ચંદનના વાઘાનો આ શણગાર ૪૨ દિવસ ચાલે છે – તા. ૩૦ એપ્રિલથી ૧૦ જૂન સુધી. રોજે રોજ નવા શણગાર, ટીલડા, સુકોમેવો, કઠોળ અને પુષ્પોથી સુંદર રીતે દેવોને શણગારવામાં આવે છે. બપોરે ૩:૩૦ કલાકે દેવોને સાકર વરીયાળીનાં જળથી શીતળતા આપવામાં આવે છે. સાંજની આરતી બાદ ચંદન ઉતારી તેને ગોટીઓમાં બનાવવામાં આવે છે, જે હરિભક્તોને તિલક માટે આપવામાં આવે છે.
વડતાલ મંદિરના નવનિયુક્ત ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીએ અખાત્રીજના દિવસે પોતાની કામગીરીનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે સંતો અને સત્સંગી ભક્તોએ ફુલહાર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વિશેષરૂપે, વાઘાની સેવામાં હરિભક્તો પણ ભાગ લઈ શકે તે માટે આ વર્ષે પણ આશિર્વાદપૂર્વક પૂ. શ્યામવલ્લભસ્વામી દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!