આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ ઇજનેરી પોલીટેકનિક, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે સેમિનારનું આયોજન કરાયું૦૦૦


કૃષિ શિક્ષણ અને કારકિર્દી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

દાહોદ જિલ્લામાં કૃષિ ઇજનેરી પોલીટેકનિક, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ પછી કૃષિ અને સંલગ્ન વિષયોમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો તેમજ કારકિર્દીની તકો અંગે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરિયા અને કુલસચિવશ્રી ડૉ. જી. આર. પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, દાહોદના સહયોગથી આયોજિત આ સેમિનારમાં યુનિવર્સિટીના વિવિધ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં ઉન્નત અભ્યાસ, ટેકનિકલ કોર્ષિસ, તથા ઔધ્યોગિક તકો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ઉપસ્થિત અંદાજીત ૧૫૦-૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ માટે આ કાર્યક્રમ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક સાબિત થયો હતો. યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા કૃષિમાં નવીન સંશોધન અને ટેકનોલોજી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય અને વિદ્યાલયના તમામ સ્ટાફ મિત્રો દ્વારા નિઃસ્વાર્થ સહકાર અને તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં કૃષિ ઈજનેરી પોલીટેકનિક કોલેજ, દાહોદના આચાર્યશ્રી, ડૉ. એસ. એસ. ચિંચોરકર દ્વારા અભ્યાસક્રમોનું મહત્વ અને તેની ઉપયોગિતા, શ્રી સંદીપભાઈ ત્રિવેદી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, દાહોદના માર્ગદર્શન અને સહયોગ, ડૉ. જી. કે. ભાભોર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ, દ્વારા કૃષિ અને બાગાયતને લગતા અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી.

અ સાથે ડૉ. વિકાસ પાલી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ અને ડૉ. એફ. જી. સૈયદ, નોડલ અધિકારીશ્રી અને મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ ઇજનેરી પોલીટેકનિક, દાહોદ દ્વારા સ્નાતક અને પોલિટેનિક કક્ષાના રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા તમામ અભ્યાસક્રમોની પ્રવેશ, અભ્યાસ પદ્ધતિ, ઉપલબ્ધ ભૌતિક સગવડો, તેમજ અભ્યાસ બાદ રોજગારીની તકો વિષે માર્ગદર્શન, તેમજ અભ્યાસક્રમોની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

સદર કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની પોલિટેકનિક અને સ્નાતક કક્ષાની વિવિઘ મહાવિદ્યાલયોની વિડીયો ક્લિપ બતાવી તેમજ સદર અભ્યાસક્રમોની માહિતી આપતું સાહિત્ય વિતરણ કરી સદર મહાવિદ્યાલયો અને ઉપલબ્ધ સુવિધાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સેમિનારનો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં કૃષિ ક્ષેત્રે શિક્ષણ અને કારકિર્દીની શક્યતાઓ વિષે જાગૃતિ વધારવાનો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાનો યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદરૂપ થવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!