દાહોદના લીમડીમાં ગુમ 12 વર્ષીય બાળકની કારમાં લાશ મળી : હર્ષ સોની રોજ ખેંચની 10 ગોળી લેતો, 1 મેએ ગુમ થયો હતો, પોલીસે અપહરણની ફરિયાદ નોંધી



દાહોદ તા.૦૩
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગઈકાલે ગુમ થયેલા 12 વર્ષીય બાળક હર્ષ હિતેશભાઈ સોનીનો મૃતદેહ આજે એક ખાનગી પ્લોટમાં પડેલી બિનઉપયોગી કારમાંથી મળી આવ્યો છે. ત્રણ મહિનાની ઉંમરથી તેને ખેંચની બીમારી હતી. તેથી તે રોજ 10 જેટલી ગોળી પીતો હતો.
1 મે,એ બપોરે 1:30 વાગ્યે હર્ષ સોની પોતાના ઘરેથી નીકળ્યો હતો. સાંજે 7 વાગ્યા સુધી તે ઘરે પરત ન ફરતાં, પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. રાત્રે 9 વાગ્યા સુધી હર્ષ ન મળતાં, પરિવારે લીમડી પોલીસ મથકે ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી. લીમડી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.
પરિવારે શોધખોળ કરી
લીમડી નગરમાં ગઈકાલે ગુમ થયેલા 12 વર્ષીય બાળક હર્ષ હિતેશભાઈ સોનીનો મૃતદેહ આજે સવારે એક ખાનગી પ્લોટમાં પડેલી બિનઉપયોગી કારમાંથી મળી આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોક અને આઘાત ફેલાવ્યો છે. 1 મે, 2025ના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ હર્ષ સોની પોતાના ઘરેથી નીકળ્યો હતો. સાંજે 7 વાગ્યા સુધી તે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી.
રાત્રે 9 વાગ્યા સુધી હર્ષ ન મળતાં પરિવારે લીમડી પોલીસ મથકે ગુમશુદગીની ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું, પરંતુ ગામના સરકારી સીસીટીવી કેમેરા નિષ્ક્રિય હોવાથી તપાસમાં મુશ્કેલી આવી હતી,
પાર્કિંગ પ્લોટની કારમાં મૃતદેહ હતો
2 મેના રોજ સવારે 11 વાગ્યે, હર્ષના પરિવારજનો અને તેના મિત્ર માધવે સોસાયટીના પાર્કિંગ પ્લોટમાં તપાસ કરી હતી. ત્યાં 10 મહિનાથી બિનઉપયોગી હાલતમાં પડેલી કારનો દરવાજો ખુલ્લો જણાયો.
કારની અંદર તપાસ કરતાં હર્ષનો મૃતદેહ મળ્યો. કારના દરવાજાનું લોક તૂટેલું હતું, જેના કારણે હર્ષ બહાર નીકળી શક્યો ન હોય તેવું પ્રાથમિક અનુમાન છે.
રમતાં રમતાં કારમાં ગયાની આશંકા
પોલીસનું માનવું છે કે હર્ષ રમતાં-રમતાં કારમાં પ્રવેશ્યો હશે અને ખુલ્લા દરવાજા દ્વારા અંદર ફસાઈ ગયો હશે. લોકની ખામીને કારણે તે બહાર નીકળી શક્યો ન હોય. હર્ષને ત્રણ મહિનાની ઉંમરથી ખેંચની બીમારી હતી, અને તે દરરોજ સવારે અને સાંજે પાંચ-પાંચ ગોળીઓ લેતો હતો. દવા ન મળવાથી તેની તબિયત લથડી હોય અને ગૂંગળામણ કે ખેંચના હુમલાથી મોત થયું હોય તેવી શક્યતા છે. જોકે, પોલીસે હત્યા કે અન્ય ગુનાહિત કૃત્યની શક્યતાને નકારી નથી.
મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ખસેડાયો
ઘટનાની જાણ થતાં લીમડી પોલીસ અને ઝાલોદના ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. લીમડી પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે. રાજપુતની આગેવાની હેઠળ તપાસ ચાલી રહી છે. સરકારી સીસીટીવી નિષ્ક્રિય હોવાથી ખાનગી સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ અપહરણ ની ફરિયાદ નોંધાઈ છે.
માતા પિયર ગઈ હતી
હર્ષના પિતા હિતેશ સોની અને પરિવાર શોકમાં ડૂબેલા છે. હર્ષની માતા ઘટના સમયે પિયરમાં હતી અને સમાચાર મળતાં પરત ફર્યા હતી, પરિવારે જણાવ્યું કે હર્ષ અગાઉ એક-બે વખત ઘરેથી નીકળી ગયો હતો, પરંતુ હંમેશા સુરક્ષિત પરત આવ્યો હતો.
શહેરના સીસીટીવી બંધ હાલતમાં
આ ઘટનાએ લીમડી નગરમાં સરકારી સીસીટીવી કેમેરાઓની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ કેમેરા શોભાના ગાંઠિયા સમાન છે, જેના કારણે ગુનાઓની તપાસમાં અડચણ આવે છે. આ ઘટના બાદ વહીવટી તંત્ર પર સીસીટીવી સિસ્ટમ સુધારવાનું દબાણ વધ્યું છે.
મોતનું કારણ ફોરેન્સિક પીએમ રિપોર્ટથી ખુલશે 12 વર્ષીય હર્ષ સોનીનું રહસ્યમય મોત લીમડી નગર માટે દુઃખદ ઘટના છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે, અને સ્થાનિક લોકો ઝડપી તેમજ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવીની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા કર્યા છે, જેનો ઉકેલ લાવવા વહીવટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

