દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતા સાંસદ જશવંતસિંહ ભાભોર : અસરગ્રસ્ત લોકોને આશ્વાસન આપતા સાંસદ જશવંતસિંહ ભાભોર



દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાને કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના સ્થળની દાહોદના સાસંદ શ્રી જશવંતસિંહ ભાભોરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સાંસદ શ્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી
સાસંદશ્રીએ ‘નુકસાન થયું છે, પણ હિંમત ન હારવા’નો ગ્રામજનોને અનુરોધ કરી કહ્યું કે, સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે. સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર, નુકસાનીનો સર્વે, ઈન્સ્યોરન્સ ક્લેઈમ, બળેલા માલસામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે એવું સાંસદશ્રીએ આશ્વાસન આપ્યું હતું.
તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલી અગ્નિશમનની કામગીરીને બિરદાવી હતી.
આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ સહિત વહીવટીતંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ જોડાયા હતા.
