નાની માનશી અને હર્ષનું જીવન બચાવતી ખેડા જિલ્લાની આરબીએસકે ટીમ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં એક સવારે ડો. મનન પંચાલ અને ડો. રુચિ શાહની આરબીએસકે(રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમ તેમની નિયમિત આરોગ્ય તપાસ માટે આંગણવાડીઓની મુલાકાત લઈ રહી હતી. તપાસ દરમિયાન તેમની નજરમાં નડિયાદની મોહળેલ આંગણવાડીમાં ત્રણ મહિનાની નન્હી માનશી તળપદા ધ્યાને આવી. માનશીની આરોગ્ય તપાસ કરતા તેની માતા પાસેથી જાણવા મળ્યુ કે તેમની દીકરી ઠીકથી ધાવણ લઈ શકતી નથી, અને જ્યારે થોડું ધાવે છે ત્યારે તેનુ કપાળ ભીનું થઈ જાય છે.ડોક્ટરોને શંકા જાગી. તાત્કાલિક તપાસ કરતા જણાયું કે માનશીના હૃદયમાં કોઈ ખામી હતી. ટીમે તરત જ તેને નડીયાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરી. ત્યાંથી સોનોગ્રાફી થઈ અને ખબર મળી – માનશીને જન્મજાત હૃદય રોગ હતો. પણ આરબીએસકે ટીમે હાર ન માની. તેમણે માનશીને અમદાવાદના યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન કરાવ્યું. વિનામૂલ્યે. પાંચ દિવસ પછી જ્યારે માનશી ઘરે પાછી આવી, ત્યારે તેની માતાની આંખોમાં આંસુ સાથે આભાર હતો. આજે માનશી ૮ કિલોની તંદુરસ્ત બાળકી છે. જે સારી રીતે ધાવે છે અને ખીલખીલાટ હસે છે!બીજા એક આવા જ પ્રસંગમાં નહેર વિસ્તારના દાવડા આંગણવાડીમાં એક વર્ષ અને ચાર મહિનાનો હર્ષ ઝાલા પણ ડો. પુજા જેઠવા અને ડો. વિનયભાઈની આરબીએસકે ટીમની નજરે ચઢ્યો. તપાસ દરમિયાન જણાયું કે હર્ષ પાંડુરોગ અને રક્તઅભાવથી પીડાતો હતો. તેનું હિમોગ્લોબિન માત્ર ૩.૪% હતું – જે જીવન માટે ખતરનાક સ્થિતિ બની શકે છે. આરબીએસકે ટીમ દ્વારા લોહીની વ્યવસ્થા કરી અને હર્ષને નડીયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. ૧૪ દિવસ સુધી લોહી ચડાવવામાં આવ્યું અને હર્ષનું હિમોગ્લોબિન ૬% સુધી સુધર્યું! હર્ષને હવે આયરન સપ્લિમેન્ટ આપવામાં આવે છે, અને તેનું વજન વધી રહ્યું છે.
આ બન્ને ઘટનાઓ ખેડા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સફળતાની કહાની કહે છે. આ ટીમો ગામડાંઓમાં, આંગણવાડીઓમાં અને દૂરના વિસ્તારોમાં જઈને ઘણા બાળકોના જીવન બચાવે છે. માનશી અને હર્ષ જેવા બાળકો આજે આરબીએસકે ટીમોના સમર્પિત પ્રયાસોને કારણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ, ગ્રામીણ વિસ્તારોના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી કોઈપણ બાળકનું આરોગ્ય આર્થિક કે ભૌગોલિક અવરોધોને કારણે જોખમમાં ન મૂકાય. આરબીએસકે ટીમો સમયસર નિદાન અને સારવાર દ્વારા આવનારી પેઢીના સ્વાસ્થ્યના રક્ષક તરીકે કામ કરે છે.

