ઓનલાઈન શોપિંગમાં સેવાલીયાના વેપારી સાથે ૯૫ હજાર રૂપિયાની છેતરપિંડી
નરેશ ગનવાણી નડિયાદ

સેવાલીયામા ઓનલાઇન શોપિંગ દરમિયાન એક ચોંકાવનારો ઠગાઈનો કેસ સામે આવ્યો છે. સેવાલીયા ગામના વેપારી દિલીપભાઈ પટેલ ફેસબુક પર આવેલા એક જાહેરાત પરથી માત્ર ૫૯૯ રૂપિયામાં શૂઝ ખરીદ્યા હતા. શૂઝનો માપ યોગ્ય ન આવતાં, તેમણે રિટર્ન કરવાની પ્રક્રિયા શરૂ કરી. ૧૪ એપ્રિલે ડિલિવરી મળ્યા બાદ જ્યારે દિલીપભાઈએ કુરિયર બોયનો સંપર્ક કર્યો ત્યારે તેમને રિટર્ન પોલિસી અનુસાર કામગીરી કરવા જણાવ્યું. ૧૬ એપ્રિલે તેમને વોટ્સએપ કોલ આવ્યો અને કોલ કરનારા વ્યક્તિએ રિટર્ન પ્રક્રિયા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું. જ્યારે દિલીપભાઈએ એ એપ્લિકેશન ડાઉનલોડ કરી, ત્યારે તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો.માત્ર એક કલાકમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૯૫ હજાર ની રકમ કાઢી લેવામાં આવી. ઘટના ખબર પડતાની સાથે જ તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કર્યો અને ત્યારબાદ સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

