કલેક્ટરશ્રી અને એસપીશ્રીનો દાહોદના નાગરિકો સાથે મોકળા મને સંવાદ દાહોદના નાગરિકો વધુ સ્વયંશિસ્ત દાખવે તો કોરોના સંક્રમણને ખાળી શકાશે
દાહોદ તા.૧૨
આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી, દાહોદના સયુંકત ઉપક્રમે કોરોના સામે સ્વયંશિસ્ત પર વિષય પર વેબીનાર યોજાયો હતો. કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે કોરોના મહામારી સામે નાગરિકોની સ્વયંશિસ્તની કેટલી અગત્યતા છે તેનું સરસ રીતે સમજ આપી હતી. ગુગલ મીટ પર યોજાયેલા વેબીનારમાં નાગરિકો મોટી સંખ્યામાં ઓનલાઇન જોડાયા હતા અને પ્રશ્નોતરીમાં પણ સક્રિય ભાગ લીધો હતો.
વેબીનારમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના સામે સ્વયંશિસ્ત વિષય પર બોલતા જણાવ્યું કે, કોરોના મહામારીના સમયમાં નાગરિકો જો આ બાબતે શિસ્ત રાખી તંત્રને સહયોગ આપે તો કોરોના સંક્રમણને અટકાવી શકાય છે. ઝાલોદ તાલુકાના લુહારબાગ વિસ્તારમાંથી એક સાથે સાત-આંઠ કેસો આવ્યા અને તે અગાઉના સમયગાળામાં પણ એક-બે કેસો આવતા રહેતા હતા તે પરથી કેટલીક બાબતો જાણી શકાય. નગરપાલિકા મામલતદારની ટીમે મુલાકાત લેતા આ લોકો મોટા પ્રમાણમાં અવર જવર કરતા માલુમ પડયા ઉપરાંત માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન પણ તેઓ કરતા ન હોય આ સ્થિતિ થવા પામી હતી.
કોઇ પણ વિસ્તારમાં જયારે કેસ બને છે ત્યારે તે ઘરને કોરોના સંક્રમણનું એપીસેન્ટર ગણી આજુ બાજુના વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાય છે. અને તેનાથી મોટા વિસ્તારને બફર ઝોન ગણી નિયંત્રણો લાદવામાં આવે છે. ત્યાર બાદ કલોઝ કોન્ટ્રેક્ટના ટ્રેસિંગ કરવામાં આવે છે. આ કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારના લોકોએ કોરોના સંદર્ભના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવું ખૂબ જરૂરી છે. સાથે બહાર અવરજવર ન કરે તે પણ એટલું જ જરૂરી છે.
દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પણ શરૂમાં રોજ ૩૫ થી વધુ કેસો નોંધાય રહ્યાં હતા તેનું કારણ પણ દુકાનદારો, વેપારીઓની બહાર અવરજવર ઉપરાંત જે દુકાનમાં ગ્રાહકને વધુ રોકાવાનું થાય છે જેમ કે સોની કે કપડાના વેપારી તેઓમાં અને તેમના ગ્રાહકોમાં સંક્રમણના કેસો વધુ બન્યાં છે. માટે આ બાબતે પણ નાગરિકો જાગૃત બની સ્વંયશિસ્ત દાખવે તે જરૂરી છે.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૪ હજાર થી પણ વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૫૦ લોકોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે. આમ જોવા જઇએ તો સરેરાશ પાંચ ટકા જેટલા કેસો પોઝિટિવ આવ્યા છે. આ કેસોમાં મોટા ભાગના ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસો છે. માટે નાગરિકો આ બાબતને પણ ધ્યાનમાં લે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ બાબતો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારમાં સંક્રમણ ઘટાડવું, ૧૫૦૦ મેડીકલની ટીમ અને ૭૫ જેટલા ધન્વંન્તરિ રથો દ્વારા ડોર ટુ ડોર નાગરિકોનું આરોગ્ય સર્વેલન્સ અને કોઇ દર્દીના પોઝિટિવ આવ્યા બાદ ૨૪ કલાકમાં જ કલોઝ કોન્ટ્રેકટનું ટ્રેસિંગ.
વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે પરંતુ નાગરિકો પણ સ્વયંશિસ્ત દાખવી જિલ્લાને કોરોનામુક્ત કરવાની દિશામાં મોટો સહયોગ આપે તે ખૂબ જ જરૂરી છે. આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શીકાનું પાલન કરવું જોઇએ. રોજિંદી દિનચર્યામાં સ્વસ્થ આહાર, યોગ-પ્રાણાયામ, હળવી કસરતો, ગરમ પાણી ખાસ કરીને લીબું પાણી વગેરેનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે. જેથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય.
ખાસ કરીને કન્ટેઇનમેન્ટ વિસ્તારના લોકો હોમ કવોરોન્ટાઇન પાળે અને અવરજવર ન કરે. ઉપરાંત ૬૦ વર્ષની ઉંમરના વડીલ ઘરમાં હોય તો રીવર્સ કવોરોન્ટાઇન પણ એટલું જ જરૂરી છે.
કોરોનાના કોઇ પણ લક્ષણો જણાય જેવા કે શરદી – ખાંસી – તાવ કે શ્વાસ લેવામાં તકલીફ કે ગંઘ કે સ્વાદ પારખવામાં તકલીફ થાય તો તરત જ સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. ખૂબ મોડેથી એટલે કે કેસ ખૂબ ગંભીર તબક્કામાં આવી જાય ત્યાર બાદ સરકારી દવાખાનામાં દાખલ થતા હોય સારવાર ખૂબ મૂશ્કેલ બને છે માટે આ બાબતે પણ નાગરિકો ખૂબ ધ્યાન આપે.
જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે પણ વેબીનારમાં કોરોના સામે સ્વંયશિસ્ત વિષય પર જણાવ્યું કે, કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં સંક્રમણને રોકવા માટે સ્થાનિક આંગેવાનો આગળ આવે. તંત્ર દ્વારા યુવાનો અને આંગેવાની મદદ લેવામાં આવી રહી છે. જેથી તેમની ટીમ બનાવી આ વિસ્તારમાં અવર જવર ઘટાડી શકાય. જિલ્લામાં હાલમાં ૨૨૦ થી વધુ નિયંત્રીત વિસ્તાર છે માટે આ ટીમની કામગીરી પણ એટલી જ મહત્વની છે.
કોરોના બાબતે સરકારની માર્ગદર્શીકાનું પાલન ન કરતા નાગરિકોના ૩૦૦૦ થી વધુ કેસો દાખલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જે ફક્ત કોરોના બાબતે નાગરિકોમાં સ્વયંશિસ્ત આવે તે ઉદ્દેશથી જ કરવામાં આવ્યા છે. નગરપાલિકા સિવાય ફક્ત પોલીસ ટીમ દ્વારા ૧૧ હજાર જેટલા લોકોને માસ્ક ન પહેરવા બદલ ૩ થી ૪ લાખનો દંડ થયો છે. આમ અહીંયા નાગરિકોની સ્વયંશિસ્ત ઘણી જરૂરી બની છે.
જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ જાનના જોખમે કામ કરી રહયાં છે ત્યારે તેમને નાગરિકો સહયોગ આપે, સર્વેલન્સની ટીમને સાચી માહિતી આપે તે પણ એટલું જ જરૂરી છે.
વેબીનારમાં પ્રશ્નોતરી પણ યોજવામાં આવી હતી. જેમાં ભાગ લેનારા નાગરિકો દ્વારા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના સંતોષકારક ઉત્તર પણ તેમને આપવામાં આવ્યા હતા.
ગુગલ મીટ પર યોજાયેલા વેબીનારમાં નાગરિકોએ સક્રિય રીતે ભાગ લેતા આ વેબીનાર સફળ રહ્યો હતો. આ વેબીનારને સફળ બનાવવામાં ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ મેનેજર શ્રી પ્રિયાંક પુરોહિત, શ્રી બ્રિજેશ પ્રજાપતીનો સહયોગ મળ્યો હતો.
#Sindhuuday Dahod