લીંબાસી વિસ્તારમાં પોલીસ દ્વારા ૬૫ લાખથી વધુનો દારૂ સાથે ૭ આરોપીની ધરપકડ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના કટિંગના સંદર્ભમાં ડીવાયએસપી વિમલ બાજપાઈની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે લીંબાસી ગામે ખેડા-તારપુર હાઈવે પાસે આવેલા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક કન્ટેનર ટ્રકમાં દારૂની હેરાફેરી પેપરના જથ્થાની આડમાં ચાલી રહી હતી.
પોલીસે દરોડા દરમિયાન લગભગ ૩૫૦ જેટલી પેટીઓમાં ભરેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.૬૫ લાખથી વધુ હોવાની વિગતો સામે આવી છે. દારૂના જથ્થા સાથે સાત આરોપીઓને પણ ઝડપવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ કન્ટેનરમાં દારૂ લાવીને લીંબાસી નજીક કટિંગ કરવામાં આવી રહ્યો હતો. દારૂનું વિતરણ ફોરવ્હીલર કાર અને ડાલામાં કરીને અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવતું હતું.
ડિવાયએસપીની ટીમે એક ડાલુ વાહન અને કન્ટેનર ટ્રક પણ જપ્ત કર્યા છે. વધુમાં, એક સ્વિફ્ટ ગાડીને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી હતી.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

