નસીરપુર ચોકડી પર મધ્યરાત્રિએ ગમખ્વાર અકસ્માત : દાહોદ-ઈન્દોર હાઈવે પર આઈસર ટ્રકે લગ્નની કારને ટક્કર મારી, બંધ સિગ્નલ લાઈટ જવાબદાર



દાહોદ તા.૧૯
દાહોદ-ઈન્દોર હાઈવે પર નસીરપુર ચોકડી નજીક મધ્યરાત્રિએ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રોઝમ ગામના એક યુવકની લગ્નની જાન મધ્યપ્રદેશથી પરત ફરી રહી હતી. આ દરમિયાન એક આઈસર ટ્રકે વર-વધૂની કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારનો ચાલક ગંભીર રીતે ઘવાયો છે. વર-વધૂને નાની-મોટી ઈજાઓ થઈ છે. 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે આઈસર ટ્રક પલટી ગયો હતો. આના કારણે હાઈવે પરનો ટ્રાફિક કલાકો સુધી ખોરવાયો હતો. દાહોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સ્થાનિક રહીશોએ આ અકસ્માત માટે ગોધરા એક્સપ્રેસ-વે પ્રાઈવેટ લિમિટેડને જવાબદાર ઠેરવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ટોલ બૂથ સંચાલક કંપનીએ ચોકડી પર લગાવેલા ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે. રાત્રિ દરમિયાન પૂરતી લાઈટિંગના અભાવે વાહન ચાલકોને ક્રોસિંગનો અંદાજ આવતો નથી. સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને કંપની પાસે ચોકડી પર યોગ્ય લાઈટિંગ અને કાર્યરત સિગ્નલ લાઈટની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો ટ્રાફિક સિગ્નલ લાઈટ ચાલુ હોત તો આવી દુર્ઘટના ટાળી શકાઈ હોત.

