સિંગવડની તોરણી પ્રાથમિક શાળાનો ચકચારી કેસ : આરોપી આચાર્ય ગોવિંદ નટને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા : બે લાખ રૂપીયાનો દંડ

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં ગત તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શાળાના આચાર્યએ ધોરણ ૧માં અભ્યાસ કરતી ૬ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ તેની ગળું દબાવીને હત્યા કરી હતી. આ કેસમાં આજે લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ચુકાદો હતો, જેમાં આરોપી આચાર્ય ગોવિંદ નટને કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સખ્ત કેદની સજાની સાથે સાથે રૂપીયા બે લાખના દંડ વસુલવાનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

સીંગવડની તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય ગોવિંદ નટે છ વર્ષિય માસૂમ બાળકી પર ગાડીમાં દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે આ કેસ બાબતે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં દુષ્કર્મના પ્રયાસ તેમજ હત્યાના ગુનામાં આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. પોલીસે આ કેસમાં પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તેમજ ન્યાયતંત્ર પર ભરોસો કાયમ રહે તે માટે સંવેદનશીલતા દાખવી માત્ર ૧૨ દિવસના રેકોર્ડ સમયમાં આરોપી આચાર્ય સામે ૧૭૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. તેમજ આ કેસમાં ઝડપથી ચુકાદો આવે તે માટે રોજ ટ્રાયલ ચલાવવા તૈયારીઓ દર્શાવી હતી. આ કેસમાં પોલીસે આરોપીને કોઈપણ પ્રકારનો લાભ ના મળે તે માટે જૂજ કહી શકાય તેવા ૬૫ જેટલા વિવિધ ટેસ્ટ તેમજ તેના રિપોર્ટો ચાર્જશીટમાં સમાવેશ કર્યા હતા. સાથે ૧૫૦ જેટલા સાક્ષીઓને પણ આ કેસની ચાર્જશીટમાં આવરી લીધા હતા. લીમખેડા સેશન્સ કોર્ટ છ મહિનાના ટૂંકા ગાળામાં જ ટ્રાયલ પૂર્ણ કરી આજરોજ ચુકાદો આપવાની તૈયારી બતાવી હતી. જેને લઈને આરોપી આચાર્ય ગોવિંદ નટને પોલીસ જાપ્તા હેઠળ લીમખેડા સેશન્સ કૉર્ટમાં લાવવા આવ્યો હતો. જેમાં બંન્ને તરફી વકીલોની ધારદાર રજુઆતો તેમજ પુરાવાઓને ધ્યાનમાં લઈ કોર્ટ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટને ૧૦ વર્ષની સખ્ત કેદની સજાની સાથે સાથે રૂપીયા બે લાખના દંડની ભરપાઈનો હુકમ કરવામાં આવ્યો હતો. આ લીમખેડા કોર્ટનો ઐતિહાસીક ચુકાદો કહી શકાય જેમાં આ કેસમાં આરોપી સામે લગાવવામાં આવેલ તમામ ચાર્જની કલમો કોર્ટ દ્વારા માનવામાં આવી નથી. ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયું છે તેની કલમ ૧૦૫(૨), બીએનએનએસની કલમ માની સજા કરવામાં આવી છે.

4 thoughts on “સિંગવડની તોરણી પ્રાથમિક શાળાનો ચકચારી કેસ : આરોપી આચાર્ય ગોવિંદ નટને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા : બે લાખ રૂપીયાનો દંડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!