મઘાનીસર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત વિશાળ ખેડૂત ગ્રામ સભા યોજાઇ

દાહોદઃ- સોમવારઃ- ભારતના પનોતા પુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલી આપવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા. ૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર ગુજરાતમાં ગાંમડાઓમાં એકતા યાત્રાએ પ્રથમ તબકકામાં પરિભ્રમણ કરી એકતાનો સંદેશો પહોંચાડયો છે.

          તદનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આ એકતા રથ યાત્રા અંતર્ગત ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા અંતરિયાળ ગામ મધાનીસર ખાતે ખેડૂત ગ્રામ સભા ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

          દિપ પ્રાગટય સાથે વિશાળ જનમેદની સાથેની ખેડૂત ગ્રામ સભાને સંબોધતા કેન્દ્રીય આદિજાતિ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે અખંડ ભારતના નિર્માતા અને સ્વતંત્રતાની ચળવળમાં મુકિત અપાવનાર સરદાર પટેલ સાહેબના કાર્યો – આદર્શો કાયમી સંભારણું બની રહે તે માટે સરદાર સરોવર ખાતે સાહેબની ડેમ ૧૮૨ મીટરની ઉંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેની સાથે આદિવાસી મ્યુઝિયમ, હેન્ડી કૂાફટ સંકુલ, સુંદર બગીચા સાથેનું વિશ્વના સહેલાણીઓ માટેનું સૈાથી આકર્ષક સુંદર અને નયનરમ્ય પર્યટન સ્થળ બનશે. જેના થકી ત્યાં સ્થાનિક લોકો માટે રોજગાર ધંધા પણ વિકસસે. આ સ્થળ થકી વિશ્વમાં એકતાનો સંદેશો પહોંચશે એમ શ્રી ભાભોરે જણાવ્યું હતું.

          આ પ્રસંગે રાજયના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણ દ્રારા દેશને અખંડિત બનાવનાર વીર પુરૂષ એવા સરદાર સાહેબનો એકતાનો સંદેશ કાયમી બની રહે તે માટે દેશના વડાપ્રધાનશ્રીનો ઉત્કૃષ્ટ વિચાર નર્મદા ડેમ ખાતે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સાથે પ્રસ્થાપિત થયો છે. જેને સદીઓ સુધી લોકો યાદ કરશે. જે રાજય અને દેશ માટે ગૈારવરૂપ સાબિત થવા સાથે વિકાસની ગતિમાં પણ વેગ વધારશે તેમશ્રી ખાબડે જણાવ્યું હતું.

          આ પ્રસંગે ધારાસભ્ય સર્વેશ્રી રમેશભાઇ કટારા, શ્રી શૈલેષભાઇ ભાભોર, જીલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, મહામંત્રીશ્રી નરેન્દ્રભાઇ સોની, ઝાલોદ તાલુકા ભાજપા પ્રમુખશ્રી મુકેશભાઇ ડામોર, તાલુકા પ્રભારીશ્રી પ્રફુલ્લભાઇ ડામોર, વિરોધ પક્ષના નેતાશ્રી રાકેશ ભાઇ, સરપંચશ્રીઓ, યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રીમતી કૈલાશબેન ભગોરા, મામલતદારશ્રી ડી.ટી.વણકર, ગામ આગેવાનો, વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ તબકકે એકતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: