દેવગઢ બારીઆના નાની ખજુરી ગામે ઝેરી ઝેરી સાંપે મહિલાને ડંખ મારતાં મહિલાનું મોત નીપજ્યું
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાની ખજુરી ગામે ટેકરી ફળિયામાં ઘરમાં પંખો ચાલુ કરવા જતા આકસ્મિક રીતે ઝેરી કાળોતરા પર પગ પડી જતા, કાળોતરો કરડી જતા, ૨૧ વર્ષીય પરિણીત મહિલાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, પરમદિવસ તારીખ ૨-૬-૨૦૨૫ને સોમવારના રોજ સવારે અગીયારેક વાગ્યાના અરસામાં દેવગઢ બારિયા તાલુકાના નાની ખજુરી ગામે ટેકરી ફળિયામાં રહેતા વિક્રમભાઈ ગમાભાઈ કોળીની પત્ની ૨૧ વર્ષીય શર્મિલાબેન કોળી પોતાના ઘરમાં પંખો ચાલુ કરવા માટે સ્વીચ ચાલુ કરવા જતા લપાઈને બેઠેલા કાળોતરા પર આકસ્મિક રીતે શર્મિલાબેનનો પગ પડી જતા કાળોતરો કરડી ગયો હતો જેથી શર્મિલાબેન ને સારવાર માટે તાત્કાલિક દેવગઢબારિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે બપોરના સમય મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર શર્મિલાબેન કોળી ના પતિ વિક્રમભાઈ ગમાભાઈ કોળીએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા દેવગઢ બારિયા પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબના અકસ્માત મોતના ગુનાના કાગળીયા કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

