પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી પ્રતિમાને ખંડિત કરનાર અસ્થિર મગજના યુવકની અટકાયત કરી : દાહોદ શહેરમાં આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમા ખંડિત કરવામાં આવતાં આદિવાસી સમાજમાં ભારે રોષ


દાહોદ તા.૦૮
દાહોદ શહેરમાં બીરસા મુંડા સર્કલ ખાતે આવેલ આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમાને એક ઈસમ દ્વારા ખંડિત કરવામાં આવતાં દાહોદના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. આ આક્રોશ ભાળી ગયેલ દાહોદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો ત્યારે જાણવા મળ્યાં અનુસાર, ઝડપાયેલ આરોપી માનસીક રીતે અસ્વસ્થ્ય હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
દાહોદ શહેરમાં આવેલ બિરસા મુંડા સર્કલ ખાતે આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમાને કોઈ અજાણ્યા યુવકે બિરસા મુંડાની પ્રતિમા સાથે છેડછાડ કરી હાથ ભાંગી નાંખ્યો હતો. આ અંગેની જાણ દાહોદના આદિવાસીઓને થતાં રાત્રીના સમયે આદિવાસી સમાજના આગેવાનો અને લોકો સ્થળ પર પહોંચી ગયાં હતાં જ્યાં આદિવાસી સમાજમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ જાેવા મળી રહ્યો હતો. આદિવાસી સમાજના લોકો દાહોદ પોલીસ મથકે પહોંચી ગયાં હતાં અને આરોપીને શોધી કાઢવાની સાથે સાથે ચોવીસ કલાકની અંદર બિરસા મુંડાની નવી પ્રતિમા લગાવવાની માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી અને જાે નવી પ્રતિમા લગાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ત્યારે દાહોદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આ બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત કરનાર યુવક રાહુલભાઈ બીલવાલ નામક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેને જેલ હવાલે કરી દીધો હતો ત્યારે આ મામલે આદિવાસી સમાજના આગેવાનના જણાવ્યાં અનુસાર, ભુતકાળમાં પણ આવી ઘટના બની ચુંકી છે અને તેને પણ પોલીસે પકડી પાડ્યો હતો અને તે વ્યક્તિ પણ માનસીક અસ્વસ્થ્ય હોવાનું કહી પોલીસ દ્વારા બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો છે. આ ઝડપાયેલ વ્યક્તિ ખરેખર અસ્થિર મગજનો છે કે, કેમ તે મામલે પણ તબીબી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે. આદિવાસીઓના ક્રાંતિકારીઓ અને મહાપુરૂષો છે તેમનીજ પ્રતિમાને ખંડીત કરવામાં આવે છે. વારંવાર બહાના કાઢવામાં આવે છે કે, વ્યક્તિ અસ્થિર મગજનો છે, તે મામલે પણ તબીબી મારફતે સાબીત કરવામાં આવે અને ચોવીસ કલાકની અંદર અંદર નવીન પ્રતિમા સ્થાપવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે.
