ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન : ૧૦૮ નવી એમ્બ્યુલન્સ આવતાની સાથે જ સગર્ભા મહિલાને મદદરૂપ થઇ : ફુલપુરા ગામમા સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરાવતી ૧૦૮ ની ટીમ


દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ફુલપુરા ગામમાં વહેલી સવારે લગભગ ૪:૦૦ વાગ્યાના સુમારે એક સગર્ભા મહિલાને અચાનક ડીલેવરીનો દુખાવો ઉપાડતાની સાથે એમના મોટા ભાઈ એ ૧૦૮ પર ફોન કરી જાણ કરી હતી.
હાલ માં જ એક નવી ૧૦૮ એમ્બ્યુલન્સ સરકાર શ્રી દ્વારા ફુલપુરા નજીક સામાન્ય જનતા ને સેવા આપવા માટે મુકવામાં આવી છે. ફુલપુરા લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ તરત જ આ કેસની જાણ મળતાની સાથે જ ૧૦૮ ના કર્મચારી EMT આશિષ ડામોર અને પાયલોટ અમરસીંગ ડોડીયાર સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા.
લગભગ ૮ થી ૧૦ મિનિટ મા સ્થળ ઉપર પહોંચીને પ્રસૂતાની તપાસ કરતા જાણ થઇ કે ડીલેવરીનો દુઃખાવો વધારે હોવાથી પ્રસુતાની ડીલેવરી તેમના ઘરે તે જ સ્થળ ઉપર કરાવવી પડે તેવી પરિસ્થિતિ છે.
તેથી EMT આશિષ ડામોરે તરત જ ૧૦૮ હોટ લાઇન ફિઝિશિયન ડોક્ટરને પ્રસૂતાની પરિસ્થિતિ અંગેની માહિતી આપી. ૧૦૮ ફિઝિશિયન ડૉક્ટર મહેશના માર્ગદર્શનથી અને EMT આશિષ ડામોરની સુઝબુઝથી પ્રસૂતાની ઘરે જ સલામત ડીલેવરી કરવામાં આવી હતી.
મહિલાને ડૉક્ટરશ્રી ના માર્ગદર્શનથી જરૂરી ટ્રીટમેન્ટ આપી નજીકની CHC હોસ્પિટલમા ખસેડ્યા હતાં. મહિલાના પરિવારજનોએ ૧૦૮ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, ફુલપુરા ગામ અને તેની આજુબાજુ ગામની જનતાને ૧૦૮ ની સેવા ઘણી ઉપયોગી સાબિત પુરવાર થશે. જે માટે ફુલપુરા તેમજ તેની આસપાસ વિસ્તારના લોકો સરકારશ્રીએ ફાળવેલ ૧૦૮ સેવાથી ખૂબ ખુશ થયા છે.

