દાહોદના બોરખેડા ગામે બેન્કના મેનેજરની ઓળખાણ આપી ૨૫ લાખની લોનની લાલચ આપી યુવક પાસેથી રૂા. ૩ લાખ ઉપરાંતની માતબર રકમની ઓનલાઈન ફ્રોડ કરવામાં આવતાં ચકચાર
દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના બોરખેડા રાબડીયા ગામે ત્રણ અજાણ્યા ઇસમોએ બેંકના મેનેજર તરીકેની ઓળખાણ આપી એક યુવકને 25 લાખની લોન આપવાની લાલચ આપી હતી અને અલગ અલગ પ્રકારની ફી ના નામે કુલ રૂપિયા 3,83,335/- ની માતબર રકમ ઓનલાઈન મારફતે ટ્રાન્સફર કરાવી યુવક સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરતા આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે.
દાહોદના બોરખેડા રાબડીયા ગામે રહેતા 38 વર્ષીય અભેસિંગભાઈ નગરાભાઈ માવીને ત્રણ જેટલા અજાણ્યા ઈ સમયે મોબાઇલ ફોન મારફતે સંપર્ક કર્યો હતો અને પોતે બેંકના મેનેજર હોવાનું જણાવ્યું હતું તેમજ અભેસિંગભાઈ ને રૂપિયા 25 લાખની લોન વગર વ્યાજે આપવા માટેની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ગયેલા અભેસિંગભાઈ દ્વારા અજાણ્યા ત્રણેય અજાણ્યા ઇસમો ઉપર વિશ્વાસ કર્યો હતો. ત્યારે ગત તારીખ 6.6.2024 અને 23.03.2025 ના સમયગાળા દરમિયાન અલગ-અલગ ફીના નામે અભેસિંગભાઈ પાસેથી કુલ રૂપિયા 3,83,335/-જેટલી માતબર રકમ અજાણ્યા ઇસમો દ્વારા પોતાના બેંક ખાતામાં અભેસિંગભાઈના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. અભેસિંગભાઈ દ્વારા અવારનવાર લોન ની રકમ આપવા માટે તેમજ પોતાના નાણા પરત કરી દેવા માટેની રજૂઆત કરતા પરંતુ 3 અજાણ્યા ઇસમો દ્વારા અવારનવાર ગલ્લાતલ્લા કરતા હતા. આખરે પોતે છેતરાયા હોવાનું અને પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી થઈ હોવાના અહેસાસ સાથે અભેસિંગભાઈ નગરાભાઈ માવીએ સાયબર ક્રાઇમ પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.