૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ યોગ શિબિરો યોજાઈ : દાહોદમાં તારીખ ૧૬ જુન થી ૨૧ જુન દરમ્યાન યોજાનાર યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ



દાહોદ તા.૧૬
આયુષ મિનિસ્ટ્રી, નવી દિલ્હી તથા નિયામકશ્રી આયુષની કચેરી આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિર્દેશિત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દાહોદ માર્ગદર્શિત અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દાહોદ પ્રેરિત આયુષ ટીમ દાહોદ દ્વારા ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનેકવિધ કાર્યક્રમો-યોગશિબિરો-યોગ સ્પર્ધાઓનું ૭૫ જુદી જુદી જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યુ છે. જે સંદર્ભે તારીખ ૧૬ જુન થી ૨૧ જુન દરમ્યાન યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
જે નિમિતે દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓ તેમજ આંગણવાડીઓ ખાતે યોગ શિબિરો યોજવામાં આવી હતી. પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી જન્ય રોગો જેવા કે, ડાયાબીટીસ, હાઇપર ટેન્શન, મેદસ્વીતાનું પ્રમાણ વધેલ છે. એ સાથે માનસિક રોગો જેવા કે, અનિદ્રા, ડિપ્રેશન ને કાબુમાં રાખવા માટે આપણા જીવનમાં યોગ હોય એ ખુબ જ જરૂરી છે. યોગ દ્વારા શરીર અને મનની તંદુરસ્તી જળવાય છે તેમજ સ્વાસ્થના સંવર્ધન સાથે જીવનમાં આનંદ અને સમૃદ્ધિ વધે છે, તેથી આ નાનકડાં ભૂલકાઓ તેમજ આંગણવાડીની બહેનોએ યોગ કરીને યોગ સપ્તાહની શરૂઆત કરવાની સાથે દાહોદ જિલ્લાના તમામ નાગરીકોને યોગાભ્યાસને રોજીંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરી હતી.