દાહોદ શહેરમાં સાંકડા રસ્તામાંથી વાહનને સાઈડ આપવા મામલે થયેલ ઝઘડા તકરારમાં બે ઈસમો ચપ્પુના ઘા મારતાં બે ને ઈજા
દાહોદ તા.૧૮
દાહોદ શહેરમાં નજીવી બાબતે જેમાં સાંકડા રસ્તામાં વાહનને સાઈડ આપવા મામલે થયેલ ઝઘડા તકરારે ઉગ્ર રૂપ ધારણ કરતાં બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને ચપ્પુના ઘા મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ શહેરમાં યસ માર્કેટ બુરહાની કોમ્પલેક્ષ જમાતખાના સામે રહેતાં શાહનવાજ સુલતાનભાઈ મલેક ગત તા.૧૬મી જુનના પોતાના કબજાની એક્ટીવા ટુ વ્હીલર ગાડી લઈ દાહોદ શહેરના માળીના ટેકરા તરફથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તે સમયે ત્યાંથી દાહોદ શહેરના મોટાઘાંચીવાડા વિસ્તારમાં રહેતાં આફતાબ ફીરોજ હાશા અને રશીદ અબ્દુલગફાર સામદ બંન્ને ઈસમો પણ પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે સાંકડા રસ્તે સાઈડ આપવા બાબતે શાહનવાજ, આફતાબ અને રસીદ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતાં એકદમ ઉશ્કેરાયેલ આફતાબ અને રશીદે પોતાની સાથે લાવેલ ચપ્પુ વડે શાહનવાજ અને તેમની સાથેના જુનેદને ચપ્પુના ઘા શરીરના ભાગે મારી લોહીલુહાણ કરી દઈ બંન્નેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને બેફામ ગાળો બોલી આફતાબ અને રશીદ બંન્ને નાસી ગયાં હતાં. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે ઈજાગ્રસ્ત શાહનવાજ સુલતાનભાઈ મલેકે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.