બહારગામ મજૂરીએ ગયેલ દાહોદના લોકો પંચાયતની ચૂંટણીમાં વોટ નાખવા પરત આવતા અકસ્માત નડ્યો : સંતરામપુર બાયપાસ નજીક ક્રૂઝર ગાડી ટ્રેલર સાથે અથડાતા બેના મોત: ૧૩થી વધુ ઇજાગ્રસ્ત


દાહોદ તા.૨૨
આજે દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોઈ ચૂંટણીમાં મતદાન કરવા માટે મજૂરી અર્થે અમદાવાદ તરફ ગયેલા દાહોદના શ્રમિકો ક્રુઝર ગાડીમાં દાહોદ તરફ આવતા રસ્તામાં સંતરામપુર બાયપાસ નજીક વિશાળ કાય ટ્રેલરે શ્રમિકોની ક્રુઝર ગાડીને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દાહોદના બે શ્રમિકોના સ્થળ પર જ અરેરાટી ભર્યા મોત નીપજ્યાનું તેમજ ૧૩ થી વધુ શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર સારવાર માટે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર થતા તેઓને દાહોદ રીફર કરવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લામાં આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી મતદાન કરવા માટે રોજી રોટી માટે વતન છોડી અમદાવાદ તરફ ગયેલા દાહોદ ના શ્રમિકો ક્રુઝર ગાડી દાહોદ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં મહીસાગર જિલ્લાના સંતરામપુર બાયપાસ નજીક એક તોતિંગ ટ્રેલરે શ્રમિકોની ક્રુઝર ગાડીને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીમાં સવાર દાહોદના બે શ્રમિકોને ગંભીર જીવલેણ ઈજાઓ થતા તે બંને સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. જ્યારે ૧૩ વધુને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટના સ્થળ ૧૦૮ ઇમર્જન્સી વાનની શાયરનોથી ગુંજી ઉઠ્યું હતું.તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ મારફતે સંતરામપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સ્થિતિ વધુ ગંભીર બનતા ઈજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ ખાતે રીફર કર્યા હતા.
ઈજાગ્રસ્તોની યાદી:-વાંદરીયા ગામના શંભુભાઈ લાલાભાઇ કામોળ, દાદગઢ ગામના સાહિલ ખડીયા, આહાન બાદલ ડામોર, કાંતાબેન ડામોર, રમીલાબેન ડામોર, વજેલા ગામના વિધાનસી ખડિયા, સવિતા ખડીયા, દાદગઢ ગામના કવિતા ડામોર દસરાજ ડામોર, અનિલ ડામોર, મંજુબેન તાવીયાડ, કમલેશ કલસિંગ ખડીયા, વિક્રમ ડામોર. અત્રે નોંધનીય છે કે આઝાદીના સાડા સાત દાયકા દરમિયાન કેટલીય સરકારો આવી અને ગઈ પરંતુ તમામ સરકારો દાહોદ જિલ્લાના શ્રમિકોને ઘર આંગણે રોજીરોટી આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાને કારણે આજે દાહોદ જિલ્લાના શ્રમિકો પોતાના ઢોરઢાંખર તેમજ ખોરડા ભગવાન ભરોસે છોડી રોજી રોટી માટે રાજ્યમાં અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. જો ઘર આંગણે જ રોજીરોટી મળી હોત તો આજે દાહોદના આ શ્રમિકો એ આ ગોઝારી ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા ન હોત. જિલ્લા મથકે વહીવટી તંત્ર દ્વારા સંકલન સમિતિ બેઠકો તો યોજાય છે અને તેમાં સાંસદ, ધારાસભ્યો, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ સંકલન સમિતિમાં હાજર હોય
છે. અને જિલ્લાનાં શ્રમિકોને ઘર આંગણે રોજી રોટી પૂરી પાડવા ના સ્ત્રોત ઊભા કરવા ચર્ચાઓ પણ જરૂર થાય છે પરંતુ તે ચર્ચાઓ સંકલન સમિતિની બેઠક સુધી સીમીત રહી જાય છે. જેના કારણે આજે પણ દાહોદ જિલ્લામાં માઇગ્રેશન નું પ્રમાણ આઝાદીના સાડા સાત દાયકા પછી પણ યથાવત રહ્યું છે.

