દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં બે જણા કાળનો કોળિયો બન્યા

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લામાં વીતેલા ૨૪ કલાક દરમિયાન ચાલકની ગફલત અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં ત્રણ જણાને ગંભીર ઈજાઓ થતાં તે પૈકીના બે જણાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો ગમખ્વાર અકસ્માતનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. ત્યારે જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે નેશનલ હાઇવે પર આવેલ ક્રોસિંગ રોડ પર રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં દાહોદ ગોધરા રોડ, ભરવાડવાસમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા કનુભાઈ બોઘાભાઈ ભરવાડ પોતાના કબજાની જીજે૨૦એચ-૭૭૧૭ નંબરની ટાટા ટ્રક લઈ પીપલોદ ગામે નેશનલ હાઇવે નંબર ૪૭ ઉપર આવેલ ક્રોસિંગ (કટ) ઉપર દાહોદ તરફ જવા માટે ઉભા હતા. તે દરમિયાન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડી આવતી જીજે ૨૭વી-૯૮૮૯ નંબરની અશોક લેલેન્ડ ગાડી કનુભાઈ ભરવાડની ટાટા ટ્રક સાથે પાછળના ડાલાના ભાગે ધડાકાભેર અથડાવતા અશોક લેલેન્ડ ગાડીના ચાલક મધ્યપ્રદેશના જીતેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈને પગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે પીપલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે દાહોદ ગોધરા રોડ, ભરવાડ વાસમાં રહેતા કનુભાઈ બોઘાભાઈ ભરવાડે પિપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે અશોક લેલન ગાડીના ચાલક મરણજનાર જીતેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ સામે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે નેશનલ હાઇવે પર બપોરના પોણો વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક મોટરસાયકલ ચાલક તેના કબજાની જીજે ૨૦બીજે-૬૧૭૫ નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી પીપોદરા ગામના ઘાટી ફળિયાના અક્ષયભાઈ જયદીપભાઇ નીનામાની જીજે ૨૦એએન-૪૯૭૫ નંબરની મોટર સાયકલને સામેથી જોશભેર ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પીપોદરા ગામના મોટરસાયકલ ચાલક અક્ષયભાઈ જયદીપભાઇ નીનામાને કપાળમાં તથા માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. જ્યારે અક્ષયભાઈની મોટરસાયકલ પર પાછળ બેઠેલ ૧૭ વર્ષીય ગૌરવભાઈ રાજુભાઈ નીનામાને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા બંનેને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગૌરવભાઈ રાજુભાઈ નીનામા નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધે પીપોદરા ઘાટી ફળિયામાં રહેતા જયદીપભાઇ મોહનભાઈ નીનામાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે નાસી ગયેલ મોટર સાયકલ ચાલક વિરુધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!