આરોગ્ય, શિક્ષણ, પૌષ્ટિકતાનું સ્તર તેમજ રોજગારી જેવા પરિબળો નહિવત હોવાને કારણે ગુજરાતનું સૌથી ગરીબમાં ગરીબ શહેર દાહોદ
દાહોદ તા.૨૩
દેશમાં સમૃદ્ધ રાજ્યોમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાતમાં પણ ગરીબીના ધબ્બા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ઉદ્યોગપતિઓની ધરતી ગણાતા ગુજરાતના અનેક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે. એમાંય ખાસ કરીને દાહોદ એક એવું શહેર છે જેને ગુજરાતનું સૌથી ગરીબ શહેર ગણવામાં આવે છે.
ગુજરાતનું નામ સાંભળતા જ લોકોના મનમાં ઉંચા ફ્લાયઓવર, ઝગમગતા શહેરો અને વિકસિત ઉદ્યોગોની છબી ઊભી થાય છે. પરંતુ તેમાં છુપાયેલું એક કડવું સત્ય એ છે કે, રાજ્યના ઘણા લોકો હજુ પણ પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો થી વંચિત છે. નીતિ આયોગના તાજેતરના ડેટા મુજબ ગુજરાતના લગભગ ૩૮.૦૯ ટકા લોકો પૌષ્ટિક આહારથી વંચિત છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ આંકડો ૪૪.૪૫ ટકા સુધી પહોંચી જાય છે. જ્યારે શહેરી વિસ્તારોમાં પણ આશરે ૨૮.૯૭ ટકા લોકો પૌષ્ટિક ખોરાક નથી મેળવતા. પુઅરેસ્ટ સીટી ઓફ ગુજરાત વિષયમાં સૌથી વધુ ઉલ્લેખ દાયક નામ છે દાહોદ. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં પણ આ શહેર વિકસિત માન્યતા માટે હજુ પણ પાછળ છે. આ શહેર મુખ્યત્વે આદિવાસી સમુદાયથી વસેલું છે. દાહોદ ને માત્ર આંકડા પરથી નહીં, પરંતુ માનવ વિકાસ સૂચકાંકોના આધારે પણ દાહોદને પુઅરેસ્ટ સીટી ઇન ગુજરાત ગણવામાં આવે છે. આ શહેરમાં આજે પણ નાની નદી કે ડાંગરના ખેતરમાં કામ કરતા લોકોની આવક એટલી ઓછી છે કે તેમની જરૂરિયાતો પણ પૂરી ન કરી શકાય. અહીં વધુ પડતી ગરીબી, બાળકોનો ઊંચો કુપોષણ દર અને આરોગ્ય સેવાઓનો અભાવ જોઈ શકાય છે. જોકે કોઈ શહેરને ગરીબ ગણવાનો આધાર માત્ર આર્થિક સ્થિતિ પર નહીં પરંતુ આરોગ્ય, શિક્ષણ, પૌષ્ટિકતાનું સ્તર અને રોજગારી જેવા પરિબળો પર પણ હોય છે. અલગ અલગ સર્વે અને અહેવાલો વિવિધ પેરામીટરોના આધારે અલગ પરિણામ આપે છે. પરંતુ મોટાભાગ ના સરકારી અને સંશોધન આધારિત અહેવાલો દાહોદને સૌથી વધુ પછાત શહેર તરીકે દર્શાવે છે. કારણકે દાહોદમાં રોજગારીની તંગી છે, આરોગ્ય સેવા મર્યાદિત છે, શિક્ષણની સુવિધાઓ ઓછા અંશે ઉપલબ્ધ છે, સ્ત્રીઓ અને બાળકો ખાસ કરીને પૌષ્ટિક ખોરાકના અભાવે પીડાય છે.

