નલવાઈ ગામે વીજ કરંટ લાગતા થાંભલા પરથી ફટકાયેલા આધેડનું સારવાર દરમિયાન મોત
દાહોદ તા.૨૪
ગરબાડાના નળવાઈ ગામે તાજેતરમાં આવેલ વાવાઝોડાને કારણે લાઈટના થાંભલા પર ફોલ્ટ થઈ જતા, થાંભલા પર ચડી સમારકામ કરી રહેલા 44 વર્ષીય આધેડને આકાશી વીજળીના કડાકા થતા કરંટ લાગતા ખાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થતા તેનું સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજ્યાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ ૧૪મી ના રોજ ગરબાડાના નલવાઈ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ફૂંકાયું હતું તે વખતે ગામના સરપંચના ઘરની સામે આવેલ ખેતરના લાઈટના થાંભલાની લાઈન ફોલ્ટ થઈ ગઈ હતી. જેથી તેનું સમારકામ કરવા નલવાઈ ગામના ગામતળ ફળિયામાં રહેતા 44 વર્ષીય બાબુભાઈ છગનભાઈ રોઝ લાઈટના થાંભલા પર ચડ્યા હતા. અને સમાર કામ કરી રહ્યા હતા. તે વેળાએ આકસ્મિક કુદરતી રીતે વીજળીના કડાકા થતા થાંભલા પર સમારકામ કરી રહેલા બાબુભાઈ રોઝને વીજ કરંટ લાગતા તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતા. જેને કારણે તેઓને શરીરે તથા ગરદન, કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેમજ જમણા પગે સાથળના ભાગે પણ ઈજાઓ થવા પામી હતી. જેથી તેઓને સારવાર માટે ગરબાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર બાબુભાઈ રોઝની પત્ની કાન્તાબેન બાબુભાઈ રોઝે ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે આ મામલે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

