ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામની ઘટના : ચાલુ વરસાદમાં કડિયા કામ કરી રહેલા યુવાન પર વીજળી પડતા મોત
દાહોદ તા.૨૫
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે ગત રોજ બપોરે રમત ગમતના મેદાનમાં ચાલુ વરસાદે કડિયા કામ કરી રહેલા વણભોરી ગામના ૨૨ વર્ષીય યુવાન પર અચાનક આકાશી વીજળી પડતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. ગતરોજ દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ભારે ઘબડાટી બોલાવી ભારે તારાજી સર્જી હતી. અને ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. તેવા સમયે વણભોરી ગામના વડખીયા ફળિયામાં રહેતા ૨૨ વર્ષીય ભારતભાઈ ફતુરભાઈ વડખીયા ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના સુમારે ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે આવેલ સ્પોર્ટ્સના મેદાનમાં ચાલુ વરસાદમાં કડિયા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ પર અચાનક આકાશી વીજળી પડતા તેઓ ગંભીર રીતે દાઝ્યા હતા. અને થોડો શ્વાસ ચાલતો હતો. જેથી તેને સારવાર માટે નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર ભારતભાઈ ફતૂરભાઈ વડખીયાની પત્ની નિકિતાબેન વડખીયાએ લીમડી પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા લીમડી પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

