દાહોદમાં જગતના નાથ જગન્નાથ વાજતે ગાજતે દિનચર્યાએ નીકળશે

દાહોદ તા.૨૬

દાહોદમાં આજે અષાઢી બીજે હનુમાન બજાર સ્થિત રણછોડજી મંદિરેથી વાજતે ગાજતે નીકળનાર ૧૮ મી રથયાત્રાની છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અને આજે સવારે નિર્ધારીત સમયે પહીન્દ વિધિ બાદ જગતના નાથ જગન્નાથ, બલરામ તથા સુભદ્રાજીની રથયાત્રા નો આરંભ થશે. અને નિર્ધારિત રૂટ પર જગતના નાથ જગન્નાથ બલરામ તથા સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. અને નિર્ધારિત સમયે પરત નિજ મંદિરે આવશે. જ્યાં આરતી સાથે રથયાત્રાનું રંગેચંગે સમાપન થશે.

દાહોદ નગરમાં આજે ભક્તિ ભાવ ભર્યા માહોલમાં ડીજેના સુરેલા ભક્તિ ગીતો તથા ભજન તેમજ રાસની રમઝટ વચ્ચે શહેરના હનુમાન બજાર સ્થિત રણછોડજી મંદિર ખાતેથી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચાંદીના સાવરણા વડે પહિંદ વિધિ કરાયા બાદ જય રણછોડના ગગન ભેદી જય ઘોષ સાથે રથયાત્રાનો આરંભ થશે. રથયાત્રા આગળ વધી નિર્ધારિત રૂટ મુજબ અનાજ માર્કેટના ગેટ નંબર-૧ પાસે થઈ બહારપુરા, પડાવ સરદાર ચોક ખાતે આવશે. ત્યાંથી આગળ વધી નેતાજી બજાર, ગાંધી ચોક, દોલતગંજ બજાર, ગૌશાળા થઈ સોનીવાડ ખાતેના શ્રી રાધાકૃષ્ણ મંદિરે આવશે. જ્યાં ભગવાન જગન્નાથ બલરામ તથા સુભદ્રાજી વિસામો લેશે. અને તે દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ સોની વાડમાં મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે. વિસામા બાદ રથયાત્રા આગળ વધી અનાજ માર્કેટ ગેટ નંબર-૨ પાસે થઈ દરજી સોસાયટી, આશીર્વાદ ચોક થઈ ફાયર સ્ટેશન માણેકચંદ ચોક ભગીની સમાજ થઈ દેસાઈવાડા વલ્લભચોક ખાતે આવશે. ત્યાંથી રથયાત્રા આગળ વધી એમ જી રોડ, ગાંધી ચોક, હનુમાનબજાર થઈ નીજ મંદિરે પરત આવશે. જ્યાં રથયાત્રાનું આરતીની સાથે સમાપન થશે. રથયાત્રાના રૂટ પર તમામ સમાજ દ્વારા જગતના નાથ જગન્નાથ બલરામ તથા ભદ્રાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એમ.જી.રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્હોરા સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે રથયાત્રાના રૂટને ઠેર ઠેર કેસરી ધજાઓ લગાવી સજાવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર અલ્પાહાર, ઠંડા પીણા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. રથયાત્રામાં અખાડાના હેરત ભર્યા દાવ, ચંદન તિલક, ઘોડેસ્વાર, આદિવાસી નૃત્ય, ઓપરેશન સિંદૂર, રાફેલ, નાસિક ઢોલ, પ્રેમાનંદ (વેશભૂષા), ગોરીલા, મહાકાલીકાજી, ઇસ્કોન ભજન, દાન પાત્ર, રંગોળી, શહેનાઇ વગેરે આકર્ષણનું કેન્દ્ર બનશે. રથયાત્રામાં કિલો બંધ જાંબુ અને મગ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આમ આજરોજ સમગ્ર દાહોદ નગર જગન્નાથમય બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!