ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયા સરપંચમાં યુવા પેનલના ઉમેદવાર પુષ્પાબેન મછારનો ઝળહળતો વિજય : હરીફ ઉમેદવાર માજી સરપંચ ગલસીંગભાઇ મછારના પત્ની સરપંચના ઉમેદવાર સોમલીબેન મછાર સહિત તમામ વોર્ડ સભ્યોનો પરાજય


ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તા.૨૮
ફતેપુરા તાલુકામાં 22 જૂન 2025 ના રોજ પચાસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયાનો પણ સમાવેશ થાય છે.તેમાં સરપંચના બે તથા વોર્ડ સભ્યોના પંદર ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા હતા.જેમાં ત્રીજા તથા ચોથા વોર્ડમાં વોર્ડ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા.ત્યારબાદ સરપંચના બે તથા બાર વોર્ડ સભ્યોની ચૂંટણી રસાકસી ભરી રહી હતી.ત્યારે આ ચૂંટણીમાં યુવા પેનલનો ઝળહળતો વિજય થયો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયાની ચૂંટણી યોજાઈ ગઈ.જેમાં સરપંચ તરીકેના ઉમેદવારોમાં પુષ્પાબેન ભાવિનભાઈ મછાર તથા સોમલીબેન ગલસીંગભાઇ મછારનાઓ સરપંચ પદના ઉમેદવારો હતા.જ્યારે આ ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડ આવેલા છે.જેમાં વોર્ડ નંબર ત્રણ તથા વોર્ડ નંબર ચારના વોર્ડ સભ્યો બિનહરીફ જાહેર થયેલા હતા.ત્યારે સરપંચના બે ઉમેદવારો તથા બંને પક્ષના છ-છ વોર્ડ સભ્યો વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી રસાકસી ભરી રહેવા પામી હતી.અને ચૂંટણી જંગમાં ઝંપલાવનાર સરપંચના બે ઉમેદવારો સહિત તમામ વોર્ડ સભ્યો પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવી રહ્યા હતા ત્યારે 25 જૂન 2025 ના રોજ મત ગણતરી થતા ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયામાં સરપંચના ઉમેદવાર પુષ્પાબેન ભાવિનભાઈ મછાર સરપંચ તરીકે વિજેતા થયા છે.જ્યારે વોર્ડ નંબર 1-મુકેશભાઈ ગલાભાઈ મછાર,વોર્ડ નંબર-2 ચંદ્રેશભાઈ સુરપાળભાઈ મછાર,વોર્ડ નંબર-3 જયેશભાઈ વિક્રમભાઈ મછાર (બિન હરીફ),વોર્ડ નંબર-4 બાબુભાઈ ભુરાભાઈ સોલંકી, વોર્ડ નંબર-5 સરલાબેન અલ્પેશભાઈ મછાર, વોર્ડ નંબર-6 સંગીતાબેન સોમાભાઈ મછાર, વોર્ડ નંબર-7 મનિષાબેન રમેશભાઈ મછાર,વોર્ડ નંબર-8 લલીબેન મગનભાઈ મછારના ઓ વોર્ડ સભ્યો તરીકે વિજેતા જાહેર થયેલા હોવાનું જાણવા મળે છે.બીજી બાજુ જોઈએ તો વિજેતા સરપંચ પદના ઉમેદવાર પુષ્પાબેન ભાવિનભાઈ મછારના હરિફ માજી સરપંચ ગલસીંગભાઇ લાલસીંગભાઇ મછારના પત્ની અને સરપંચના ઉમેદવાર સોમલીબેન ગલસીંગભાઇ મછારનાઓ સહિત તેમના તમામ વોર્ડ સભ્યોનો પરાજય થવા પામેલ હોવાનું જાણવા મળે છે.આમ ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયામાં સરપંચ તથા વોર્ડ સભ્યો યુવા પેનલના ઉમેદવારો વિજેતા થયા છે.ત્યારે કાળિયા ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિકોએ ગામની યુવા પેનલને ગામનો કારભાર સંભાળવા સુકાનીપદ સોંપી ગામની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી આશા ગ્રામજનોમાં બંધાઈ હોવાની આશા સાથે આનંદની લાગણી વ્યાપી જવા પામેલ છે.