સંજેલી તાલુકાના ચમારીયા ગામે ધમધમતા જુગારધામ પર સંજેલી પોલીસનો છાપો.
દાહોદ
સંજેલી તાલુકાના ચમારીયા ગામે ધમધમતા જુગારધામ પર સંજેલી પોલીસનો છાપો.
રોકડ તથા મોબાઈલો મળી રૂપિયા ૪૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ૬ જુગારીયા પકડાયા.
ગઈકાલે સંજેલીના ચમારીયા ગામે ઠાકોર ફળિયામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ધન ધમતા જુગારધામ પર સંજેલી પોલીસે ઓચિંતો છાપો મારી રોકડ તેમજ ૬ મોબાઇલ ફોન તેમજ પત્તાની કેટ મળી રૂપિયા ૪૦,૬૫૦/- ના મુદ્દામાલ સાથે ૬ જેટલા જુગારીયાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી તાલુકાના ચમારીયા ગામના ઠાકોર ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગોળ કુંડાળું વળી જાહેરમાં પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની ગુપ્ત બાતમી સંજેલી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે સંજેલી પોલીસની ટીમે ગતરોજ મોડી સાંજ બાદ સવા સાત વાગ્યાના સુમારે બાતમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો મારી ગોળ કુંડાળું વળી પત્તા પાના વડે હારજીત નો જુગાર રમી રહેલા જુગારીયાઓ ને ચારે બાજુથી ઘેરી લઈ નાસવાની કોઈ તક ના આપી સંજેલી ગામના ઠાકોર ફળિયાના અરબાઝ ઈકબાલ શેખ, સંજેલી ગામના દરબારગઢમાં રહેતા જીતસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી, સંજેલી ઠાકોર ફળિયામાં રહેતા કીર્તિ કુમાર મહેન્દ્રસિંહ પરમાર ,ચમારીયા ગામના તાડ ફળિયામાં રહેતા રાહુલભાઈ લાલાભાઇ મકવાણા, સંજેલી ચાલી ફળિયામાં રહેતા ખુમાનસિંહ ઉર્ફે રાજુભાઈ તખતસિંહ રાજપુત તેમજ સંજેલી ઠાકોર ફળિયામાં રહેતા સુલેમાન ઉફરાનભાઈ શેખને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અને પોલીસે દાવ પરથી ૩,૦૫૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો, તથા પકડાયેલા ઉપરોક્ત જુગારીયાઓની અંગ જડતીમાંથી રૂપિયા ૯,૬૦૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂપિયા ૧૨,૬૫૦/-ની રોકડ તથા રૂપિયા ૨૮,૦૦૦/-ની કુલ કિંમતના મોબાઇલ નંગ-૬ તેમજ પત્તાની કેટ વગેરે મળી રૂપિયા ૪૦,૬૫૦/-નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત ૬ જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી તેઓને જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
