મેઘરાજાને મનાવવા અને વર્ષ કેવું જશે તે જાણવા ગરબાડામાં શ્રદ્ધાભેર પારંપરિક ગુંદરુ કાઢવામાં આવ્યું
દાહોદ
મેઘરાજાને મનાવવા અને વર્ષ કેવું જશે તે જાણવા ગરબાડામાં શ્રદ્ધાભેર પારંપરિક ગુંદરુ કાઢવામાં આવ્યું
ગરબાડા પંથકમાં ભૂતકાળમાં જૂના જમાનાના લોકો દ્વારા દુષ્કાળની સ્થિતિ જાણવા તથા વર્ષ કેવું જશે તે જાણવા માટે પારંપરિક ગુંદરુ કાઢવામાં આવતું હતું. તે પરંપરા જાળવી રાખી તાલુકાના તમામ ગામોમાં ગ્રામજનોની અનુકૂળતા મુજબ ગુંદરુ કાઢવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ તાલુકાના તમામ ગામોમાં યથાવત છે. ગરબાડાના ગુંદારામાં ચાલુ વર્ષે બડવા દ્વારા પૂનમ આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વરસાદ લંબાઇ જાય ત્યારે મેઘરાજાને મનાવવા માટે તાલુકામાં વિવિધ નુસખાઓ કરવામાં આવે છે. જેમ કે, શિવલિંગને પાણીમાં ડુબાડવામાં આવે છે. જ્યારે ઘણી ખરી જગ્યાએ પર્જન્ય યાગ કરાય છે. જ્યારે તાલુકાના જાંબુવા ગામે હનુમાનજીની મૂર્તિને મહિલાઓ ગાયના છાણથી દાટી દેતી હોય છે. અને વરસાદ આવ્યા બાદ ગામની બહેનો પોત પોતાના ઘરેથી પાણીના કળશ લઈ હનુમાનજીને જળથી નવડાવી છાણથી મુક્ત કરે છે. જ્યારે ગુંદરુ તાલુકાના દરેક ગામોમાં થાય છે. મેઘરાજાને મનાવવાની ગુંદરાની વિધિમાં બડવાને પવન આવતા ગામનો પટેલ વરસાદ કેવો રહેશે? ગામની સુખાકારી કેવી રહેશે? તે બાબતની ભાવ મેળવે છે. જે પરંપરા અને પ્રથા ગરબાડા પંથકમાં આજે પણ યથાવત જોવા મળે છે. ગુંદરુ અષાઢ મહિનામાં તાલુકાના દરેક ગામમાં પોત પોતાની સુવિધા અનુસાર કાઢવામાં આવે છે. ગરબાડામાં પણ નિયત કરેલી જગ્યા ઉપર નિચવાસ ફળિયામાં ગુંદરુ કાઢવાના આગલા દિવસે રાત્રિના સમયે ગામનો બડવો, પૂજારી, ગામના પટેલ તથા સમાજના લોકો એકત્રિત થયા હતા, અને ઢાંક અને વાસના કામડાના સંગીત ઉપર બાબાદેવ અને ઓવન માતાના આખી રાત ગાયણા ગાવામાં આવ્યા હતા. જેમાં બડવાને પવન આવતા ગામના પટેલ દ્વારા વરસાદ કેવો રહેશે? ગામની સ્થિતિ કઈ રીતની રહેશે? વર્ષ કેવું જશે? તે સિવાય પણ અનેક પ્રશ્નોની પૂછપરછ કરવામાં આવતા, બડવા દ્વારા ચાલુ વર્ષે પૂનમબાદ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ખેતીમાં પણ વર્ષ સારું જશે તેમ જણાવ્યું હતું. ગુંદરાના ખર્ચ માટે ગામમાં દરેક સમાજના લોકો સહકાર આપે છે. અને જે દિવસે ગુંદરુ હોય તે દિવસે ઘરમાં કોઈ કચરો નથી નીકળતો કે ચૂલો નથી સળગાવાતો, પાણી પણ નથી ભરાતું અને હળ પણ નથી જોતરાતું. જે તમામ ક્રિયાઓ ગુંદરુ નીકળ્યા બાદ કરવામાં આવે છે. હાલમાં તાલુકાના ઘણાખરા ગામોમાં ગુંદરૂ નીકળી ચૂક્યું છે. જ્યારે ઘણા ખરા ગામોમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમુક લોકો આ વિધિ શ્રીફળ વધેરીને પણ કરે છે. જ્યારે અમુક લોકો પશુ બલિ આપીને પણ કરે છે.


Monetize your audience with our high-converting offers—apply today! https://shorturl.fm/NofYo