સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં ગુરુવંદના કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ ખાતે આજે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સાંસ્કૃતિક વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમથી કોલેજનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
કોલેજના કુલગુરુ અને આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવેના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીની નંદિની તળપદાએ કુમકુમ તિલક કરી અને અંશ પટેલે પુષ્પગુચ્છ અર્પણ કરીને આચાર્યનું ગુરુ પૂજન કર્યું હતું. ત્યારબાદ, અંજલી સોનીએ તબલાના તાલ સાથે ગુરુ મહિમા દર્શાવતી પ્રાર્થના રજૂ કરીને વાતાવરણમાં દિવ્યતા ઉમેરી.
આ પ્રસંગે, કોલેજના તમામ અધ્યાપકોનું વિદ્યાર્થીઓ દ્વારા ભાવપૂર્વક ગુરુપૂજન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડો. પરવીન મનસુરીએ શાબ્દિક સ્વાગત કરીને સૌને આવકાર્યા. આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની વાક્છટા દ્વારા ગુરુનું મહત્વ અને મહિમા સુંદર રીતે વ્યક્ત કર્યા. ઉત્તમ અભિવ્યક્તિ કરનાર વિદ્યાર્થીઓ કૃપાલી મહિડા, ક્રિષ્ના રાઠોડ અને પૂર્વી અમીનને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું અસરકારક સંચાલન કરનાર વિદ્યાર્થિની નિરિક્ષા વસોયાને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપ્તિ સમયે, સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક પ્રો. લલિતભાઈ ચાવડાએ આભારવિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો. આ ગુરુવંદના કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આદરભાવ વધુ દ્રઢ બન્યા હતા.

One thought on “સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં ગુરુવંદના કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!