પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી: જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીજ ખાતે શુક્રવારે ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ડેન્ગ્યુ રોગચાળા અંગે જનજાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીનો પ્રારંભ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીજ ખાતેથી થયો હતો અને તે પ્રાથમિક શાળા, મેઈન બજાર, ગ્રામ પંચાયત, છાપી ભાગોળ થઈને પરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીને વસો તાલુકા પંચાયત સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ જનજાગૃતિ રેલીમાં મેડિકલ ઓફિસર ડો. પ્રાંજલ રાજપુત, જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર જીતેન્દ્રભાઈ પરમાર, સુનિલભાઈ પરમાર, મેહુલ બૌદ્ધ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ, અને આશા બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત, વિનાયકા કોલેજ ઓફ નર્સિંગ, નડિયાદના વિદ્યાર્થીઓ પણ આ જાગૃતિ અભિયાનમાં સહભાગી થયા હતા.
રેલી બાદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વાહકજન્ય રોગો અંતર્ગત મચ્છરનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. હાજર રહેલા તમામને લોગોને રોગોથી બચવા માટેના વિવિધ અટકાયતી પગલાં વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગો પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને તેમને રોગચાળાથી બચવા માટેના યોગ્ય ઉપાયો શીખવવાનો હતો.

