દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રોપા વિતરણ મહોત્સવ થકી એક નવતર કીર્તિમાન રચાયો : દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આયોજિત રોપા વિતરણ મહોત્સવમાં ૫૭૫૦ જેટલા રોપાઓનું વિતરણ થયું : વિવિધ છોડના રોપાઓનું ત્રણ કલાકમાં જ જબરજસ્ત ઉત્સાહ સાથે ૫૧૦ રજીસ્ટ્રેશન થકી માતબર સંખ્યામાં વિતરણ થયું




દાહોદ તા.૧૩
પ્રકૃતિ મિત્ર મંડળ-દાહોદ, સામાજિક વનીકરણ વિભાગ, દાહોદ તથા પશ્ચિમ રેલવે રતલામ મંડળના સંયુક્ત ઉપક્રમે ફ્રીલેન્ડગંજ ખાતે આવેલ પ્રકૃતિવનમાં રોપા વિતરણ મહોત્સવ ખૂબ સફળતાથી સંપન્ન થયો હતો.
પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે થતા સઘન વૃક્ષારોપણ અંતર્ગત આ વર્ષે આ રોપાં વિતરણ મહોત્સવમાં મોટા વૃક્ષો અને ઘર આંગણે ઉછેરાતાં ફૂલના નાના છોડ એમ બે પ્રકારે વિતરણ થયું હતું. પ્રકૃતિ મિત્ર મંડળના સ્થાપક અજયભાઈ દેસાઈ, પ્રમુખ ધર્મેન્દ્ર (બબલુ)ખત્રી અને મંત્રી સાકીર કડીવાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ સમિતિના કન્વીનર નાસીર કાપડિયા અને આશિલ શાહના અનન્ય ઉત્સાહ અને જોરદાર મેનેજમેન્ટ થકી સામાન્ય છોડની સાથે રે’ર ગણાતા અનેક રોપાઓનું ખૂબ જ સરસ રીતે વિતરણ થયું હતું. પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા બે દાયકાથી દાહોદને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા પ્રકૃતિ મિત્ર મંડળને ફાળવાયેલ મસમોટાં ખુલ્લા પ્લોટને મિયાવાકી તરીકે જાણીતી જાપાની પદ્ધતિથી નંદનવન બનાવી દેવાયાં છે. દાહોદ કે ગુજરાતમાંથી નામશેષ થવાને આરે આવી ચૂકેલ અનેક વૃક્ષોના છોડ અન્યત્ર સ્થળેથી આ પરિસરમાં લાવી ઉછેર કરી આ વિસ્તારને નવપલ્લવિત કરી દેવાયો છે. તો વૃક્ષારોપણ સમિતિના કન્વીનર નાસિર કાપડિયાએ જણાવ્યા અનુસાર આ રોપા વિતરણ કાજે આ વખતે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પદ્ધતિ અમલી બનાવાઈ હતી જે અંતર્ગત માત્ર એક જ અઠવાડિયામાં ઘર આંગણાના અને ખુલ્લા પ્લોટ માટેના ૯૨૫ જેટલાં રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા. જે પૈકી ૫૧૦ જેટલાં લોકો આશરે ૫૭૫૦ રોપાઓ લઈ ગયા હતા, જે થકી દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળનો એક નવતર કીર્તિમાન થવા પામ્યો હતો.
તા.૧૩.૭.’૨૫ ને રવિવારે થયેલ રોપા વિતરણ મહોત્સવ અંતર્ગત ૩૩૫૦ મોટાં વૃક્ષ માટેના અને ૨૪૦૦ ઘર આંગણાના કૂંડામાં ઉછરતાં છોડ મળી કુલ ૫૭૫૦ રોપાઓનું ખૂબ જ સફળ કહી શકાય તેવું વિતરણ સંપન્ન થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહમંત્રી કિન્નર દેસાઈ તથા ઉપપ્રમુખ નીલમ અમીનના વડપણ હેઠળ ખાસ કરીને મંડળની પ્લાન્ટેશન સમિતિ, સ્નેક રેસ્ક્યુની ટીમ, સ્ટુડન્ટ નેચરલ ક્લબની ટીમ પણ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ હતી.
બોક્સ:
પશ્ચિમ રેલવે દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિકસાવાયેલ ‘પ્રકૃતિ વન’માં દુર્લભ ગણાતા પતંગિયાઓ માટે રચાયેલ “બટરફ્લાય ઝોન” આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો આ સ્થળે દહીવી, શ્રીફળપાટલો, ખટુવા, મધુરો જેવા અનેક પ્રકારના દુર્લભ બની ગયેલ વૃક્ષના બીયારણ ગુજરાતના અન્ય જંગલોમાંથી લાવી તેની નર્સરી પણ વિકસાવાઈ છે તો બીયારણ વિકસિત કરવા માટે જર્મીનેશન ચેમ્બર દ્વારા એક અદ્દભુત ઈકો સિસ્ટમ વિકાસ પામી છે. વિવિધ પક્ષીઓ માટે અને રેપ્ટાઇલ્સ માટે દાહોદનો આ ઝોન ગુજરાતભરમાં જાણીતો બની ચૂક્યો છે.


Start earning every time someone clicks—join now! https://shorturl.fm/RFEjH