નડિયાદમાં ખરાબ રસ્તાઓ માટે વોટ્સએપ પર કરો ફરિયાદ, તાત્કાલિક થશે સમારકામ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મહાનગરપાલિકાએ શહેરના ખરાબ રસ્તાઓની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. નાગરિકો હવે 72028 77707 નંબર પર રસ્તાની સ્થિતિની વિગતો અને ફોટા મોકલી શકશે, જેના આધારે મહાનગરપાલિકા તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરશે.
મહાનગરપાલિકા દ્વારા હાલમાં ૨૪ કામદારો, ૪ ટ્રેક્ટર, ૧ જેસીબી અને ૧ રોલર સાથે પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આજે ૨.૫ કિલોમીટર રસ્તા પર ૧૮૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાઈમ હેવન સોસાયટી, ભક્તિનગર રોડ અને બાલ યોગી સોસાયટી રોડ સહિતના વિસ્તારોમાં સમારકામ કરવામાં આવ્યું છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્રભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, વરસાદને કારણે તલાવ રોડ વિસ્તારમાં થયેલા નુકસાનની મરામત કાર્ય ચાલુ છે. મહાનગરપાલિકા વોટ્સએપ અને સિટીઝન એપ દ્વારા મળતી ફરિયાદો પર તાત્કાલિક પગલાં લઈ રહી છે.
સમગ્ર ખેડા જિલ્લામાં નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને વેટમિક્સ દ્વારા મોટરેબલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મ્યુનિસિપલ એન્જિનિયર પટેલએ જણાવ્યું હતું કે નાગરિકોની ફરિયાદ બાદ માર્ગદર્શન માટે કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવે છે.

