સીંગવડ તાલુકામાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ ધન્વંતરિ રથ દ્વારા રોજે રોજ ૩૪૦ થી વધુ લોકોની થઇ રહેલી આરોગ્ય તપાસ
દાહોદ તા.૧
દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓએ કોરોના સામે મોરચો બરાબર સંભાળ્યો છે. જિલ્લાના સીંગવડ તાલુકાની વાત કરીએ તો ૭૧ ગામો અને ૪૫ ગ્રામ પંચાયત ધરાવતા આ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે. જેમાંથી હાલમાં કોરોનાના ૩ એક્ટિવ કેસ છે. તાલુકામાં સંક્રમણ ન વધે તે માટે સમગ્ર તાલુકાની ટીમ એક જ લક્ષ્યાંક સાથે ગામે ગામ કોરોના જાગૃતિની ઝુંબેશ આદરી છે.
તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.કે.મકવાણા જણાવે છે કે, સીંગવડ તાલુકામાં અત્યાર સુધીમાં દરેકે દરેક વિસ્તારને સંપૂર્ણ સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. એ પણ ત્રણ ત્રણ વખત. ઉપરાંત જયાં પણ કોરોનાનો કેસ નોંધાય તે વિસ્તારને ફરીથી સેનેટાઇઝ કરવામાં આવે છે. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પણ એ વિસ્તારના લોકો બહાર ન નીકળે તે માટે ગામના સરપંચ દ્વારા કોઇ એક વ્યક્તિની નિમણુંક કરવામાં આવે છે અને તે આ લોકો સુધી રોજેરોજ જીવનજરૂરીયાતનો સામાન પહોંચાડવાની કામગીરી કરે છે. આમ, કન્ટેઇનમેન્ટ વિસ્તારના લોકોની અવરજવર ઘટતા આ તાલુકામાં કોરોનાના કેસો નિયંત્રણમાં જોવા મળી રહ્યાં છે.
તાલુકામાં અત્યારે ૪ ધન્વંતરિ રથ દ્વારા સઘન આરોગ્ય ચકાસણી ચાલી રહી છે. રોજે રોજ ૩૪૦ થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. સીંગવડ તાલુકામાં આજ રોજ સુધીમાં ૩૧૫૫ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૬ પોઝિટિવ કેસ મળ્યા છે. સીંગવડમાં દરેક ગામના સરપંચ, તલાટી, હેલ્થ ઓફીસર, મામલતદાર કચેરીસ્ટાફ, પોલીસકર્મી વગેરેની સયુંકત બેઠક યોજીને ગામના આગેવાનોને કોરોના જાગૃતિના કાર્યમાં જોડવા માટે જણાવવામાં આવ્યું છે અને ગ્રામકક્ષાએ પણ બેઠક યોજી લોકોને કોરોના સંદર્ભે સાવચેતીના શા પગલાં લેવા તે અવગત કરાવા ઉપરાંત લોકોને સામે ચાલીને આરોગ્ય તપાસ કરાવવા પ્રોત્સાહિત કરાવાનું ઠરાવાયું છે.
તાલુકામાં ૨૦૦ જેટલા બેનરો દરેક ગ્રામપંચાયત, જાહેર સ્થળોએ લગાવવામાં આવ્યા છે. સાથે ૩૦ હજાર જેટલી કોરોના અંગે જાગૃતિની પત્રિકાઓનું વિતરણ ગામે ગામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આગામી દિવસોમાં ગામેગામ રિક્ષા કે અન્ય વાહન દ્વારા જાણકાર માણસ માઇકથી કોરોના જાગૃતિનો સંદેશો ફેલાવશે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ગામેગામ માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોની જાણકારી આપવામાં આવી રહી છે.
#Sindhuuday Dahod