લીમખેડાના ચૈડિયા ગામની શાળાના બાંધકામનો વિવાદ.
દાહોદ
કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાના મટીરીયલ નો બાંધકામમાં ઉપયોગ કર્યો હોવાનો જલદ આક્ષેપ
વિદ્યાર્થીઓની સલામતી પર સવાલો ઊભા થતાં તાત્કાલિક તપાસની માંગ
લીમખેડાના ચૈડિયા ગામના ઘાટા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના નવા ઓરડાઓના બાંધકામમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ ગામના ઉપસરપંચ સોમાભાઈ ગણાવાએ કર્યો છે.૪૭૬ વિદ્યાર્થીઓની આ શાળામાં માત્ર ચાર ઓરડાઓ હોવાથી શૈક્ષણિક કાર્યમાં ખલેલ પહોંચે છે. કોન્ટ્રાક્ટર ની બેદરકારી અને સરકારી અધિકારીઓની મીલી ભગતનો આરોપ મૂકીને ગામ લોકોએ આવનાર દિવસોમાં બાંધકામ અટકાવી દેવાની તૈયારી બતાવી તાત્કાલિક તપાસની માંગ કરી છે. એક તરફ સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષના સુશાસનની
વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં કેટલીક જગ્યાએ શાળાઓના ઓરડાઓના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા નરી વેઠ ઉતારાતી હોવાના વરવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અને તે સામે જાગૃત જનતા પોતાનો વિરોધ વ્યક્ત કરી ઓરડાનું બાંધકામ આવનાર દિવસોમાં બંધ કરાવવાની તૈયારીઓ દર્શાવી રહી છે. લીમખેડા તાલુકાના ચૈડીયા ગામના ઘાટા ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં કુલ ૪૭૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના આચાર્ય પ્રવિણસિંહ ચૌહાણના નેતૃત્વમાં ૧૨ શિક્ષકો ફરજ બજાવે છે્. જો કે શાળામાં અભ્યાસ કરતા ૪૭૬ વિદ્યાર્થીઓ માટે માત્ર ચાર જ ઓરડા છે. જેને કારણે ધોરણ ૧-૨ અને ૩-૪ ના વિદ્યાર્થીઓને એક સાથે એક ખંડમાં બેસાડવામાં આવે છે જ્યારે ઘણા વિદ્યાર્થીઓને શાળાની લોબીમાં બેસીને અભ્યાસ કરવો પડે છે. આ મામલે શાળાના આચાર્ય પ્રવીણસિંહ ચૌહાણ એ જણાવ્યું કે એક ઓરડામાં બે ધોરણના વિદ્યાર્થીઓ બેસાડીએ છીએ અને બાકીના લોબીમાં બેસીને અભ્યાસ કરે છે. નવું ભવન પૂર્ણ થયા બાદ જ વધુ વર્ગખંડો મળશે. ઓરડાઓની અપૂરતી સુવિધાઓ બાળકોના શૈક્ષણિક વિકાસમાં મોટો અવરોધ ઊભો કરે છે. ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિનો આક્ષેપ………………….. ગુજરાત સરકારના શાળા પુનઃનિર્માણ કાર્યક્રમ હેઠળ ચૈડિયા ગામની આ શાળાનું ત્રણ માળનું નવું ભવન બનાવવાનું ૧૮ જૂન ૨૦૨૫ થી શરૂ થયું છે. અક્ષર કોર્પોરેશન લિમિટેડ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવેલ આ બાંધકામ એક વર્ષ અગાઉ બનેલા ત્રણ ઓરડાઓ ઉપર કરવામાં આવી રહ્યું છે. જે મામલે ઉપ સરપંચ સોમાભાઈ ગણાવાએ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના લોખંડ, સિમેન્ટ અને સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરી આવા મટીરીયલથી બનેલી શાળા ભવિષ્યમાં જોખમી બની શકે છે. તેમ જણાવી મટીરીયલની લેબોરેટરી ચકાસણી કરવા અને સરકારી ધોરણ મુજબ ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ અને મજૂરોની સલામતી પર સવાલ………………..શાળાના ઓરડાના બાંધકામ દરમિયાન મજૂરોને હેલ્મેટ, સેફ્ટીવ્મ બેલ્ટ જેવા સલામતીના સાધનો પૂરા પાડવામાં આવ્યા નથી. જેના કારણે તેઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. બાંધકામ દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની? શાળા સમય દરમિયાન ચાલતું બાંધકામ વિદ્યાર્થીઓની સલામતી માટે જોખમ ઊભું કરી રહ્યું છે. શાળાનું નાનું રમતનું મેદાન પણ બાંધકામના મટીરીયલથી ભરાઈ ગયું છે. જેને કારણે શાળાના વિદ્યાર્થીઓને રમવા માટે કોઈ જગ્યા નથી. જેથી વિદ્યાર્થીઓની સલામતી માટે પૂરતી કાળજી લેવાની ઉપસરપંચ દ્વારા માંગણી કરવામાં આવી છે. સરકારી અધિકારીઓ પર મિલીભગતનો આરોપ……………… બાંધકામની ગુણવત્તાનું નિરીક્ષણ કરવાની જવાબદારી ધરાવતા સ્થાનિક સરકારી અધિકારીઓએ આ મામલે ઉદાસીન વલણ ધરાવ્યું હોવાનો આક્ષેપ કરતા ઉપસરપંચે જણાવ્યું કે, બાંધકામનું જો નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો આ હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ શરૂઆતમાં જ ઝડપાઈ ગયો હોત. આ ગંભીર બેદરકારીમાં અધિકારીઓની મીલીભગત હોઈ શકે છે.શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને આ મામલે નિષ્ક્રિય ગણાવી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વતંત્ર તપાસની માંગણી કરી છે. લીમખેડા તાલુકાની ચૈડીયા ઘાટા ફળિયા પ્રાથમિક શાળામાં ચાલતા બાંધકામ બાબતે લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદ પરમાર જણાવ્યું હતું કે હાલમાં ચૈડીયા ગામની ઘાટા ફળિયા પ્રાથમિક શાળાના ૬ ઓરડાઓનું બાંધકામ ચાલે છે. ઉપ સરપંચ અને ગ્રામજનોની રજૂઆત બાબતે સ્થળ મુલાકાત લઈને ઓરડાનું બાંધકામ કરતી એજન્સીને જરૂરી સૂચના આપવામાં આવશે. અને જો બાંધકામમાં નિષ્કાળજી કે બાંધકામમાં વપરાતા મટીરીયલની ગુણવત્તા સારી નહીં હોય તો ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે.


Start earning on every sale—become our affiliate partner today! https://shorturl.fm/bbhoh