ગેરરીતિ પકડાતા લીમખેડાના વલુંડી-કંબોઈ વ્યાજબી ભાવની દુકાન ૯૦ દિવસ માટે સસ્પેન્ડ

દાહોદ

દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કેટલીક ગેરરીતિઓ સામે આવતા લીમખેડા તાલુકાના વલુંડી તેમજ કંબોઈ ગામની વ્યાજબી ભાવની દુકાન ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવતા ગેરરીતિ આચરનારા વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે. ગેરરીતિ અંગેની મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલદાસ હરદાસાણી તથા તેમના સ્ટાફના કર્મચારીઓ દ્વારા લીમખેડા તાલુકાની કંબોઈ ગામની પ્રાણનાથ બચત જૂથ સંચાલિત વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શોપ મેનેજર દિલીપભાઈ ભરતભાઈ પરમાર દ્વારા ગેરરીતિ આચરાતા ૧૨૨ કિલોગ્રામ ઘઉંની વધ, ૭૨૦ કિલોગ્રામ ચોખાની વધ,૧૨ કિલોગ્રામ ખાંડની ઘટ, ૫૪ કિલોગ્રામ તુવેરદાળની વધ સહિત અનેક ક્ષતિઓ જણાઈ આવી હતી. આ ઉપરાંત વલુંડી વ્યાજબી ભાવની સત્તા અનાજની દુકાનમાં સંચાલક લક્ષ્મણસિંહ વીરસિંહ મોહનિયા દ્વારા ગેરરીતિ આચરતાં ૮૩ કિલોગ્રામ ઘઉંની વધ, ૬૩ કિલોગ્રામ ચોખાની વધ, ૧૪ કિલોગ્રામ ખાંડની વધ, તેમજ ૬૫ જેટલા રેશનકાર્ડ ધારકોને ૧૨૧૧ કિલોગ્રામ ઘઉં તથા ૭૯૨ કિલોગ્રામ ચોખાનો જથ્થો ઓછો આપ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પુરવઠા અધિકારી દ્વારા કંબોઈ તથા વલુંડી વ્યાજબી ભાવની દુકાને પુરવઠા વિભાગની પરવાનાની શરતોનો ભંગ કર્યા સબબ ૯૦ દિવસ માટે પરવાનો મોકૂફ કરવાનો હુકમ ફરમાવ્યો હતો. દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીના પગલે ગેર રીતી આચરનારા સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.

3 thoughts on “ગેરરીતિ પકડાતા લીમખેડાના વલુંડી-કંબોઈ વ્યાજબી ભાવની દુકાન ૯૦ દિવસ માટે સસ્પેન્ડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!