સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદ ખાતે કારગિલ દિવસની ઉજવણી

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદના એન.સી.સી. વિભાગ દ્વારા આજે, ૨૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, ‘કારગિલ દિવસ’ ની  ઉજવણી કરવામાં આવી. આ કોલેજમાં પચાસ વર્ષથી પણ વધુ સમયથી કાર્યરત એન.સી.સી. વિભાગ, વિદ્યાર્થીઓમાં દેશદાઝ અને શિસ્તના ગુણોનું સિંચન કરી રહ્યું છે.
આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવે સરની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં ૨૮ ગુજરાત બટાલિયન, નડિયાદથી કીર્તિ ચક્રથી સન્માનિત સી.ઓ. ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવે સરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પી.આઈ. સ્ટાફ, કેરટેકર ડો. ગણેશભાઈ પ્રજાપતિ, કેરટેકર ડો. કલ્પનાબેન ભટ્ટ, પૂર્વ એન.સી.સી. મેજર પ્રાધ્યાપક લલિતભાઈ ચાવડા તેમજ પૂર્વ એન.સી.સી. લેફ્ટનન્ટ ડો. અર્પિતાબેન ચાવડા સહિત એન.સી.સી. બોયઝ અને ગર્લ્સ કેડેટ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, એન.સી.સી. બોયઝ અને ગર્લ્સ કેડેટ્સે દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા અને કારગિલ દિવસના મહત્વ પર પોતાનું વક્તવ્ય આપી દેશભક્તિની ભાવના પ્રદર્શિત કરી હતી. આ પ્રસંગે, વર્ષ ૨૦૨૫માં યોજાયેલા કેમ્પમાં ભાગ લેનાર સિનિયર કેડેટ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષ રૂપે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડબગર ભૂમિને સિનિયર અંડર ઓફિસર નો રેન્ક પહેરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે, ૨૮ ગુજરાત બટાલિયનના સી.ઓ. ઝાલા સરે કારગિલ યુદ્ધની ઘટનાઓ પર પ્રકાશ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અધ્યક્ષ સ્થાનેથી આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવે સરે કારગિલ દિવસની ઉજવણીમાં એન.સી.સી. કેડેટ્સ કઈ રીતે વધુ યોગદાન આપી શકે તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે દેશભક્તિ, શિસ્તપાલન અને વ્યસનમુક્તિને પણ દેશભક્તિની ભાવના જગાવનારા મહત્વપૂર્ણ પાસાં તરીકે ઉજાગર કર્યા હતા.
સમગ્ર ઉજવણી કારગિલ શહીદોને નમન કરતા સાર્થક નીવડી હતી. કાર્યક્રમના સમાપ્તિ સમયે રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌમાં દેશભક્તિની ભાવનાને વધુ દૃઢ બનાવી હતી.

8 thoughts on “સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદ ખાતે કારગિલ દિવસની ઉજવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!