સી. બી. પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં ‘વિશ્વ વસ્તી દિન’ની ઉજવણી
નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ‘વિશ્વ વસ્તી દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવેના માર્ગદર્શન હેઠળ, અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થી નેતૃત્વ મંચ દ્વારા ‘વિશ્વ વસ્તી’ વિષય પર એક તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય અને અધ્યક્ષ પ્રો. ડો. મહેન્દ્રકુમાર એ. દવેએ પોતાના વક્તવ્યમાં ‘વિશ્વ વસ્તી દિન’ના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે ભીખાભાઈ પટેલ આર્ટસ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. મનોજભાઈ મોદીયાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિશ્વ વસ્તી, ભારતમાં વસ્તી વધારો અને તેના આર્થિક વિકાસ પરના પ્રભાવ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.
આ પ્રસંગે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. આર. બી. સક્સેના, પ્રા. મિનેષકુમાર એસ. સોલંકી, પ્રા. ડો. પ્રિયંકા વી. દેસાઈ અને પ્રા. ડો. બિજલબેન કે. બારોટે પણ વિદ્યાર્થીઓને વસ્તી વધારા અને ભારતના વિકાસ સંબંધિત ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન બી.એ. સેમેસ્ટર-૦૫ની વિદ્યાર્થીની પૂર્વી અમીને કર્યું હતું, અને અંતમાં શ્લોક પંડ્યાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિષયના કુલ ૧૦૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.


https://shorturl.fm/uWeav