આરોગ્યકર્મીઓની મહેનત અને ધન્વંતરિ રથના પરિમાણલક્ષી પરિભ્રમણને પગલે દાહોદમાં કોરોના વાયરસના કમ્પાઉન્ડ : ડેઇલી ગ્રોથ રેટમાં થતો સતત ઘટાડો:ઓગસ્ટ માસના પ્રારંભે સીડીજીઆર ૪.૨૧ ટકા હતો, તે સપ્ટેમ્બર માસના આરંભે ઘટીને ૧.૪૪ ટકા થયો

સીડીજીઆરથી કોરોના વાયરસના દર્દીઓના વધારાની
ગતિના વલણનું અનુમાન લગાવી શકાય છે

દેવગઢ બારિયા, ફતેપુરા અને અને ઝાલોદ તાલકાની સીડીજીઆરમાં વધારો, નાગરિકોને વધુ તકેદારી રાખવી પડશે

કોરોના સંક્રમણને રોકવા માટે દાહોદ જિલ્લામાં ધડાધડ કરવામાં આવેલા ટેસ્ટ અને ધન્વંતરિ રથ દ્વારા થઇ રહેલી સઘન આરોગ્ય ચકાસણીને પરિણામે છેલ્લા તબક્કામાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, બીજી તરફ હવે શહેરી વિસ્તારોને બદલે ગ્રામીણ વિસ્તારોમાંથી કોરોના વાયરસના દર્દીઓ મળી આવતા હોવાથી ગામડાના લોકોએ વધુ સજાગ બનવાની જરૂર છે.
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનું વિશ્લેષણ કરીએ તો પાછલા બે માસ જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ કેસો મળી આવ્યા છે. જુલાઇ માસમાં કૂલ ૫૧૬ કેસો નોંધાયા હતા અને તેની સામે ૪૬૮ દર્દીઓ સાજા થઇ ગયા હતા. કોમોરબીડ દર્દીઓનો મૃત્યુંઆંક પણ આ માસમાં સૌથી વધુ નોંધાયો હતો. અન્ય પ્રકારની ગંભીર બિમારી ધરાવતા ૪૮ દર્દીઓના મૃત્યુ એ માસમાં નોંધાયા હતા.જ્યારે, ગત્ત ઓગસ્ટ માસમાં ૫૬૬ દર્દીઓની સાપેક્ષે ૩૭૨ દર્દીઓ સાજા થઇ ગયા હતા.
એપ્રિલ માસની આઠમી તારીખથી કોરોનાની ગતિને વધવાને આંકડાશાસ્ત્રની રીતે ધ્યાને લેવામાં આવે તો હાલની સ્થિતિએ જેટલા કેસો નોંધાવાની ધારણા હતી તેના કરતા ૬૦૦ જેટલા કેસો ઓછા નોંધાયા હતા. ગઇ કાલ તા. ૪ સપ્ટેમ્બર સુધીમાં દાહોદમાં ૧૨૦૪ કેસો નોંધાયા છે.
વિશેષ બાબત એ પણ છે કે, કેસોની સંખ્યા બમણી થવાના દિવસોમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો છે. સમગ્ર દાહોદ જિલ્લામાં તા. ૩ ઓગસ્ટના રોજ માત્ર ૧૨ દિવસોમાં કેસો બમણા થઇ ગયા હતા, તે દિવસો તા. ૧૭ના રોજ વધીને ૨૧ થયા અને તા. ૨૯ના રોજ ૨૯ દિવસો થઇ ગયા. જો કે, કોરોનાનો ચાર્ટ દેવગઢ બારિયા, ફતેપુરા, લીમડીમાં વિશેષ કાળજી રાખવી પડે એવો છે. અહીં કેસો ડબલ થવાની સંખ્યા ૧૦થી ૧૭ દિવસો વચ્ચે ચાલી રહી છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ કોરોના વાયરસ સામે વિશેષ તકેદારી રાખવી પડે એમ છે.
વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એક વિશેષ ફોર્મ્યુલાને આધારે કમ્પાઉન્ડ ડેઇલ ગ્રોથ રેટની ગણતરી કરવામાં આવે છે. જેમાં પાછલા સાત દિવસોમાં નોંધાયેલા કેસોને આધારે કેસોનું વલણ જાણી શકાય છે. દાહોદમાં તા. ૨૯-.૦૮-૨૦ની સ્થિતિએ દાહોદમાં સમગ્રતયા કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ ૧.૪૪ ટકા નોંધાયો છે. સીડીજીઆરના આંક પ્રમાણે આવનારા દિવસોમાં કેસોની સંખ્યાનો અંદાજ બાંધવામાં આવે છે. જેમ કે, આજે ચાલુ સપ્તાહમાં ૧.૪૪ જીડીઆર છે તો પછીના દિવસોમાં કેસોમાં બે દર્દીઓનો વધારો નોંધાવવાની સંભાવના રહે છે.
ગત તા. ૨૯ની સ્થિતિએ દાહોદ તાલુકાનો ૧.૩૪, દેવગઢ બારિયા ૨.૫૩, ફતેપુરા ૩.૮૨, ગરબાડામાં ૧.૩૧, લીમખેડામાં ૦.૨૯, સંજેલીમાં ૦.૬૭, ઝલોદમાં ૧.૭૩ અને લીમડીમાં ૨.૩૯ ટકા રહ્યો છે. દાહોદ નગરમાં કેસોનું પ્રમાણ ઘટતા જિલ્લાના સરેરાશ ચિત્ર ઉપર મોટી અસર પડી છે. તા. ૪ ઓગસ્ટના રોજ સીડીઆર રેટ ૪.૨૧ હતો તે હવે ૧.૪૪ ટકાએ પહોચ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી મહેનત અને ધન્વંતરિ રથનું પરિભ્રમણ પરિણામ દર્શાવી રહ્યું છે.
ગત તારીખ ૭ની સ્થિતિએ જોઇએ તો દાહોદમાં કૂલ એક્ટિવ કેસો પૈકી ૬૦.૭૭ ટકા કેસ ગ્રામીણ વિસ્તારના હતા. જ્યારે, ૩૯.૨૩ ટકા કેસ શહેરી વિસ્તારના હતા. કેસોમા સૌથી વધુ પ્રમાણ પુરુષોમાં રહ્યં છે. કૂલ દર્દીઓમાંથી સૌથી વધુ ૫૧થી ૮૦ વર્ષના લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ચિત્ર ઉપરથી એવું પણ તારણ કાઢી શકાય કે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના લોકોએ વધુ તકેદારી લેવાની જરૂર છે. દાહોદમાં કોરોના અને કોમોરબિડીથી મૃત્યુ થનારાની સંખ્યામાં ૬૦ ટકા લોકોથી ઉંમર ૬૦ વર્ષથી ઉપરની હતી. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર વૃદ્ધોની રિવર્સ ક્વોરોન્ટાઇન કરી વધુ સંભાળ લેવાની તકેદારી રાખવાની અપીલ કરવામાં આવે છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, સીડીજીઆરના આંકને ધ્યાને લેતા દેવગઢ બારિયા, ફતેપુરા અને ઝાલોદ તાલુકાના લોકોએ વધુ તકેદારી રાખવાની જરૂરત છે. લોકો આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે આપવામાં આવતી ચૂચનાનું પાલન કરે. માસ્ક પહેરવા, સેનેટાઇઝેશન અને સામાજિક અંતરનું પાલન કરે. શરદી, ખાંસી કે તાવ આવવાના કિસ્સામાં તુરંત નજીકના દવાખાનાએ જઇ આરોગ્યની તપાસ કરાવે તે જરૂરી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!