નડિયાદ જવાહર નગર ખાતે રક્તદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ રવિવાર, ૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નડિયાદના જવાહરનગર સ્થિત રાધા સિંધુ ભવન શ્રી ઝુલેલાલ મંદિરમાં મેગા રક્તદાન અને મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ નડિયાદ, યુથ રેડ ક્રોસ વિંગ ખેડા જિલ્લા શાખા અને જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર દ્વારા ભગવાન ઝુલેલાલ સાહેબના ચાલીયા મહોત્સવના ઉપલક્ષ્યમાં આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં અનેક સંસ્થાઓ અને તબીબી નિષ્ણાતોએ નિ:શુલ્ક સેવાઓ આપી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ખેડા જિલ્લા શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને ‘રક્તદાન મહાદાન’ના ઉદ્દેશને સાર્થક કર્યો હતો. આ ઉપરાંત, અંજુમન મંડળ નડિયાદ દ્વારા આંખની તપાસ અને માત્ર રૂ. ૧૦માં નંબરવાળા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે લાઈફ લાઈન લેબોરેટરી દ્વારા સુગર ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હતી.
કેમ્પમાં નિષ્ણાત તબીબોએ પણ પોતાની સેવાઓ આપી હતી. જેમાં જનરલ ફિઝિશિયન ડો. અમિત મિસ્ત્રી, ઓર્થોપેડિક સર્જન ડો. ભાવેશ દેસાઈ, રુમેટોલોજિસ્ટ ડો. બિરેન કલ્યાણી અને ડેન્ટલ સર્જન ડો. અજય કુંજવાણીનો સમાવેશ થાય છે. આ તમામ તબીબોએ દર્દીઓની તપાસ કરી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ સહયોગી સંસ્થાઓ અને સેવાભાવી તબીબોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.


https://shorturl.fm/0Hau7